Gandhinagar BJP Coordination Meeting: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026 સંદર્ભે સોમવારે મોડી સાંજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 'કાર્યકર્તા સંકલન બેઠક' યોજાઈ હતી. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને સંગઠનાત્મક તૈયારી, જનસંપર્ક અને બુથ સ્તરની કામગીરીને સુદૃઢ બનાવવા માટે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ભાજપ સંગઠનની શક્તિનો સાચો આધાર બુથનો કાર્યકર્તા છે, અને કાર્યકર્તાની સક્રિયતાથી જ સંગઠનની વિચારધારા અને વિકાસનો સંદેશ જનજન સુધી પહોંચે છે. આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભાવી જનસંપર્ક, નાગરિકો સાથે સીધો સંવાદ, સંકલન તથા લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને દિશાદર્શન હેઠળ ગાંધીનગરમાં અનેક વિકાસલક્ષી કાર્યો થયા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગાંધીનગર શહેરે વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, અને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવા માટે નાગરિકોની અપેક્ષા અને જરૂરિયાતોને કેન્દ્રસ્થાને રાખીને જનસેવાના સંકલ્પ સાથે આગળ વધવા કાર્યકર્તાઓને પ્રેરિત કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની બુથસ્તર સુધીની સંગઠન વ્યવસ્થા જ ભાજપાની શક્તિ છે.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ચૂંટણી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, સહ પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, મંત્રી દર્શનાબેન, પ્રદેશ મંત્રી નીરવ અમીન, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પ્રદેશ દ્વારા નિયુક્ત ચૂંટણી પ્રભારી અમિત શાહ, સહ પ્રભારી જતીન પટેલ, સાંસદ હસમુખ પટેલ તથા દિનેશ મકવાણા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર સહિત આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
