GMC Election 2026 Vote Counting: ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15 ની કોલેજ બિલ્ડીંગ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે. પરિવર્તન કે પુનરાવર્તન વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાગ્ય સીલ કર્યા છે.
આ ત્રિપાંખિયા રાજકીય જંગમાં વિવિધ વોર્ડની વોટિંગ પેટર્ને તમામ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. ગાંધીનગર મનપાના રાજકીય ઈતિહાસમાં વોર્ડ નંબર 5 ને મેયરનો ગઢ માનવામાં આવે છે, ત્યાં આ વખતે મતદારોનો ભારે નિરુત્સાહ તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં મહેન્દ્રસિંહ રાણા, 2015માં હંસાબેન મોદી, 2016માં પ્રવીણ પટેલ અને 2019માં રીટાબેન પટેલ જેવા પ્રમુખ નેતાઓ આ જ વિસ્તારમાંથી વિજેતા બનીને મેયરપદે પહોંચ્યા હતા.
પરંતુ આ હાઈપ્રોફાઈલ વોર્ડ નંબર 5 માં આ વખતે સૌથી ઓછું માત્ર 48.63 ટકા મતદાન થતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ત્રણેયના ગણિત અને સમીકરણો ગૂંચવાયા છે. અહીં કુલ 13,040 મતદારોમાંથી માત્ર 6,342 લોકોએ જ વોટ આપ્યો છે. તેમાં પણ મહિલા મતદાન ઘટીને માત્ર 45.44 ટકા જ રહેતા પરિણામ કઈ તરફ નમશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
