VMC Budget 2026-27: વડોદરા મનપાનું ₹7,672 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર, કરવેરા વસુલાતથી લઈ નાગરિક સુવિધામાં મોટા સુધારા

વર્ષ 2026-27 માટે વડોદરા મહાનગરપાલિકાનું કુલ 7,672.21 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા અને વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Feb 2026 02:11 PM (IST)Updated: Sat, 07 Feb 2026 02:11 PM (IST)
vadodara-municipal-corporation-draft-budget-2026-27-rs-7672-crore-approved
HIGHLIGHTS
  • વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટે ડ્રાફ્ટ બજેટ મંજૂર  
  • શહેરના વિકાસ, આવક વધારો અને નાગરિક સુવિધાને પ્રાથમિકતા
  • વિવિધ વિસ્તારમાં પિન્ક ટોયલેટ-પિન્ક ફીડિંગ રૂમ બનાવવાનો નિર્ણય

VMC draft Budget 2026-27: વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા અને વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિએ કુલ 7,672.21 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરતા શહેરના વિકાસ, આવક વધારો અને નાગરિક સુવિધાને પ્રાથમિકતા આપતા અનેક મહત્વના ઠરાવો અને સૂચનો કર્યા છે.

વડોદરા મનપાનું ₹7,672 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર

આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ડ્રાફ્ટ બજેટ પર વિસ્તૃત ચર્ચા બાદ અલગ અલગ 6 ઠરાવો કર્યો હતા, જ્યારે બજેટને વધુ અસરકારક બનાવવા માટે 18 મહત્વના સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પાલિકાની આવકમાં વધારો થાય અને કરવેરા વસુલાત વધુ પારદર્શક બને તે દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા છે.

કરવેરા વસુલાતને લઈને મહત્વનો નિર્ણય

સ્થાયી સમિતિએ નક્કી કર્યું છે કે, હવે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા પહેલા મિલકતની આકારણી કરવામાં આવશે, અને ત્યારબાદ જ વેરાની વસુલાત થશે. આ ઉપરાંત પાલિકાના વેરા બીલમાં QR કોડની સુવિધા ઉપલબ્ધ કરાશે, જેથી નાગરિકો સરળતાથી અને ડિજિટલ રીતે વેરા ચૂકવી શકે.

ટાઉનહોલમાં યોજાતા કાર્યક્રમને લઈને નિર્ણય

સાંસ્કૃતિક કાર્યક્રમોને લગતા નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટાઉનહોલમાં યોજાતા કાર્યક્રમમાં પાલિકા 12ની બદલે 20 ટિકિટ લેવાનું નક્કી કર્યું છે, જેના દ્વારા આવકમાં વધારો થવાની શક્યતા છે.

ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે સૂચન

શહેરના ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. 30 મીટર પહોળો ઇનર રિંગ રોડ (સમા–સાવલી–છાણી–ઊંડેરા–ROB–કરોડિયા–પંચવટી–સેવાસી) પર આવેલા બ્લોકેજ દૂર કરી રોડ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

પિન્ક ટોયલેટ અને પિન્ક ફીડિંગ રૂમ

મહિલા અને માતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પિન્ક ટોયલેટ અને પિન્ક ફીડિંગ રૂમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે CSR સેલની રચના કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

યલો ફીવર વેક્સિનના ભાવમાં ઘટાડો

આ સાથે જ આરોગ્ય સેવાઓમાં રાહતરૂપ નિર્ણય તરીકે યલો ફીવર વેક્સિનનો ભાવ 500 રૂપિયાથી ઘટાડીને 300 રૂપિયા કરવામાં આવ્યો છે. કુલ મળીને, સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયેલ આ ડ્રાફ્ટ બજેટ વડોદરા શહેરના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે.