Vadodara: ડોક્ટરોને પૃથ્વી પર ભગવાન સમાન માનવામાં આવે છે અને આ વાતને ફરી એકવાર વડોદરાની GMERS ગોત્રી હોસ્પિટલના તબીબોએ સાચી સાબિત કરી છે. આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલો નાનકડો LED બલ્બ જટિલ સર્જરી દ્વારા બહાર કાઢી તેની જાન બચાવવામાં આવી છે.
ન્યૂમોનિયા હોવાનું નિદાન કરી બાળકને પ્રાથમિક સારવાર અપાઈ
માલસર ગામના પરિવારના આ બાળકને છેલ્લા દોઢ મહિનાથી સતત તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલી રહેતી હતી. પરિવારજનોએ બાળકને લઈને વિવિધ ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો હતો.
જ્યાં પ્રાથમિક તપાસ બાદ બાળકને ન્યુમોનિયા હોવાનું નિદાન કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે લાંબા સમય સુધી સારવાર છતાં બાળકની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો ન હતો. બાળકની તબિયત સતત નાજુક બનતી જતાં માતા-પિતા ભારે ચિંતામાં મુકાયા હતા અને અંતે તેને ગોત્રી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
ગોત્રી હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગની તબીબી ટીમે બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વિગતવાર તપાસ શરૂ કરી હતી. એક્સ-રે સહિતના રિપોર્ટ્સ દરમિયાન તબીબોને બાળકની જમણી શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ હોવાની શંકા ઉઠી હતી. આ અજાણી વસ્તુ શ્વાસના માર્ગને અવરોધતી હોવાથી બાળકને સતત શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
બાળકની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી 5 ફેબ્રુઆરીના રોજ તેને જનરલ એનેસ્થેસિયા હેઠળ લઈ બ્રોન્કોસ્કોપી નામની અતિ જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન જ્યારે શ્વાસનળીમાંથી વસ્તુ બહાર કાઢવામાં આવી, ત્યારે તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકની શ્વાસનળીમાં નાનકડો LED બલ્બ ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું.
એક વર્ષના બાળકની અતિ સાંકડી શ્વાસનળીમાંથી આ બલ્બ સલામત રીતે બહાર કાઢવો મોટું પડકારરૂપ કાર્ય હતું, પરંતુ ENT વિભાગના નિષ્ણાત ડો. સોની અને તેમની ટીમની કુશળતા કારણે આ પ્રક્રિયા સફળ રહી.
દોઢ મહિના સુધી ગંભીર સ્થિતિમાં રહેલા બાળકને નવજીવન મળતાં પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તે સામાન્ય રીતે શ્વાસ લઈ રહ્યો છે. ગોત્રી હોસ્પિટલની આધુનિક સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાભરેલી સેવાઓએ સરકારી હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત કર્યો છે.
