Vadodara News: વડોદરામાં નવરાત્રીનો પવિત્ર અને ઉત્સાહભર્યો પર્વ પૂરા જોશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે તાજેતરમાં ‘શિશુ સંસ્કૃતિ ગરબા’ મહોત્સવમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતાની વહીવટી કાર્યશૈલીની સાથે સાથે પોતાના સંગીતપ્રેમી અંદાજથી ખેલૈયાઓ અને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
ગરબા રમવાના શોખીન એવા મ્યુનિસિપલ કમિશનર શિશુ સંસ્કૃતિ ગરબાના આયોજનમાં સહભાગી થયા હતા. નવરાત્રીના પરંપરાગત માહોલ વચ્ચે તેમણે જાતે સ્ટેજ પર જઈને 'ઓક્ટોપેડ' વગાડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમના આ અનોખા અંદાજે ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ અને ઊર્જાનો નવો સંચાર કર્યો હતો. ઓક્ટોપેડના તાલે ખેલૈયાઓ પણ વધુ ઉત્સાહથી ઝૂમી ઊઠ્યા હતા.
વડોદરા જેવા મહાનગરની જટિલ વહીવટી જવાબદારીઓ, નાગરિક સેવાઓ અને શહેરના વિકાસ કાર્યોમાં સતત વ્યસ્ત રહેતા અરુણ મહેશ બાબુનો આ મ્યુઝિકલ અવતાર સોશિયલ મીડિયા અને ઉપસ્થિત લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ જ્યાં તેઓ એક કડક અને કાર્યનિષ્ઠ અધિકારી તરીકે જાણીતા છે, તો બીજી તરફ તેમનો સંગીત પ્રત્યેનો આ પ્રેમ અને કળા પ્રત્યેનો પ્રતિસાદ તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.
આ પ્રસંગે ગરબા રમવા આવેલા નાના બાળકો, યુવાનો અને વાલીઓએ કમિશનર સાહેબના આ ઉત્સાહને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. વહીવટી જવાબદારીઓની સાથે પોતાની કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનો આ સુંદર સંદેશ વડોદરાવાસીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. 'શિશુ સંસ્કૃતિ ગરબા'નો આ પ્રસંગ કમિશનર સાહેબના સંગીતમય અંદાજને કારણે લાંબા સમય સુધી વડોદરાવાસીઓના સ્મરણમાં રહેશે.
