રાજકોટમાં લૂંટ વિથ મર્ડરની સનસનીખેજ ઘટનાઃ આજી GIDCમાં વેપારીની છાતીમાં ગોળી ધરબી રૂ. 1.65 કરોડના સોના-ચાંદીની લૂંટ

રાજકોટના આજી GIDC વિસ્તારમાં તન્વી ગોલ્ડના સંચાલક લાલજીભાઈ સરધારાની રૂ. 1.65 કરોડના સોના-ચાંદીની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી. ગૃહમંત્રીના આગમન પૂર્વે બનેલી આ ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 11:05 PM (IST)Updated: Wed, 14 Oct 2026 11:05 PM (IST)
rajkot-crime-news-jeweller-shot-dead-rs-165-crore-goldsilver-looted-in-aji-gidc

Rajkot: તહેવારોના માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ આગમન પૂર્વે જ શહેરના આજી GIDC વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજી GIDC વિસ્તારમાં આવેલા ‘તન્વી ગોલ્ડ’ના સંચાલક લાલજીભાઈ સરધારા રૂ. 1.65 કરોડની કિંમતનું 1 કિલો સોનું અને 3 કિલો ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં આવેલા ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ લાલજીભાઈને આંતરીને તેમની પાસે રહેલો દાગીના ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે લાલજીભાઈએ પ્રતિકાર કરતાં લૂંટારુંઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં ગોળી લાલજીભાઈની છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા, જે બાદ લૂંટારુંઓ તેમની પાસે રહેલ દાગીના ભરેલો થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ ગંભીર ઘાયલ લાલજીભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા, સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. હાલ તો કારમાં ફરાર થઈ ગયેલા લૂંટારુંઓને ઝડપી પાડવા માટે સમગ્ર શહેર તેમજ જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આ સાથે જ CCTV ફૂટેજ અને બાતમીદારોના આધારે આરોપીઓની શોધખોળની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.