Vadodara News: દેશમાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ લક્ઝરી ગાડીઓ અને સુરક્ષાના કાફલા સાથે ફરતા જોવા મળતા હોય છે. ત્યારે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ VIP સંસ્કૃતિને બાજુ પર મૂકીને એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ અને ઊર્જા બચત અંગેની અપીલને માન આપીને સાંસદ ડૉ. હેમાંગ જોષી વડોદરાથી બોટાદ જવા માટે પોતાની સરકારી કે લક્ઝરી કારને બદલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની સામાન્ય એસટી બસમાં રવાના થયા હતા. તેમની આ સાદગી જોઈને સામાન્ય જનતામાં ભારે આકર્ષણ અને આદરની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો
વડાપ્રધાનની અપીલને સાર્થક કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની મુલાકાત દરમિયાન જાહેર જનતાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પ્રદૂષણ નિયંત્રણમાં મદદ કરવા અને મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ કાર શેરિંગનો ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીની આ પર્યાવરણલક્ષી વાતને માત્ર ભાષણ પૂરતી સીમિત ન રાખતા, વડોદરાના સાંસદે તેને પોતાના જીવનમાં ઉતારીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડૉ. હેમાંગ જોષી ત્રણ દિવસના બોટાદના રાજકીય પ્રવાસે જવાના હતા, જેના માટે તેમણે એસટી બસની સવારી પસંદ કરી હતી.
મુસાફરો સાથે સીધો સંવાદ અને આશ્ચર્યનો માહોલ
બસમાં મુસાફરી કરી રહેલા અન્ય સામાન્ય નાગરિકો જ્યારે પોતાના લોકપ્રતિનિધિને સુરક્ષાના કોઈ ઠાઠ વગર, સામાન્ય સીટ પર પોતાની વચ્ચે બેઠેલા જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મુસાફરો માટે આ પળ ભારે આનંદ અને ગર્વ સમાન હતી. પ્રવાસ દરમિયાન સાંસદે માત્ર મુસાફરી જ ન કરી, પરંતુ બસમાં સવાર લોકો સાથે ખૂબ જ સહજતાથી સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોની રોજિંદી સમસ્યાઓ સાંભળી હતી અને ગુજરાત એસટી બસની સુવિધાઓ તેમજ સેવાની ગુણવત્તા અંગે લોકો પાસેથી સીધા પ્રતિભાવો (ફીડબેક) મેળવ્યા હતા.
સાંસદની આ પહેલ એ સાબિત કરે છે કે, લોકશાહીમાં જનપ્રતિનિધિ ખરા અર્થમાં જનતાનો સેવક છે. VIP કલ્ચરના આજના યુગમાં ડૉ. હેમાંગ જોષીની આ સાદગી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અન્ય રાજકારણીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
