વડોદરામાં પીએમ મોદીના આગામી પ્રવાસને લઈ થનગનાટ: રાત્રિ બજારમાં ભાજપના આગેવાનો અને સાંસદે જમાવ્યો રંગ

PM મોદીના 8 સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને લઈ તૈયારીઓ તેજ. રાત્રિ બજારમાં ભોજન અને ભજન ક્લબિંગ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોષી સહિત ભાજપના આગેવાનો જોડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 07 Sep 2026 12:52 PM (IST)Updated: Mon, 07 Sep 2026 12:52 PM (IST)
vadodara-pm-modi-visit-night-market-bjp-leaders-mp-hemang-joshi-bhajan-clubbing

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે પધારવાના છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન હસ્તે રાજ્યભરમાં આશરે રૂ. 35 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદીના આ આગમનને વધાવવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે સંગઠન દ્વારા યુવા વર્ગને સક્રિયપણે જોડવા માટે અનોખા અને આકર્ષક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

રાત્રિ બજાર ખાતે કાર્યક્રમનું આયોજન

આ જ શ્રેણીમાં, સંસ્કારનગરી વડોદરાના યુવા કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રાત્રિ બજાર ખાતે 'ભોજન અને ભજન ક્લબિંગ' નામના એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ સ્થાનિક સાંસદ ડૉ. હેમાંગ જોષી બન્યા હતા. સાંસદે સ્ટેજ પર 'ડાકલા'ની સુરાવલી છેડતાની સાથે જ ઉપસ્થિત યુવાધનમાં અદ્ભુત જોમ અને ઉત્સાહ પુરાઈ ગયો હતો.

સાંસદ ડૉ. હેમાંગ જોષીએ ગીત ગાયું

આ અનોખા સાંસ્કૃતિક માહોલમાં ભાજપના શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને યુવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વડોદરા પ્રવાસ 'વિકસિત ભારત 2047'ના ભવ્ય સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યંત દૂરોગામી અને સીમાચિહ્નરૂપ સાબિત થશે.

પીએમ મોદી વડોદરા પધારશે

ખાસ કરીને આ મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત વડોદરાની આ પવિત્ર ભૂમિ પરથી થઈ રહી છે, જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયેલો છે. આ ભવ્ય આયોજનોનો મુખ્ય હેતુ વધુમાં વધુ યુવાશક્તિને દેશના વિકાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે.