રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વડોદરાના સાંસદે કરી મુલાકાત, શહેરની નવરાત્રી નિહાળવા આપ્યું આમંત્રણ

નવરાત્રી મહોત્સવમાં વડોદરા પધારવા અને આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવને પ્રત્યક્ષ નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિએ આ નિમંત્રણનો અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 10 May 2026 03:51 PM (IST)Updated: Sun, 10 May 2026 03:51 PM (IST)
vadodara-mp-dr-hemang-joshi-meets-president-draupadi-murmu-invites-her-for-navratri

Vadodara News: વડોદરાના નવનિર્વાચિત સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પરિવાર સાથેની આ મુલાકાત દરમિયાન સાંસદે વડોદરાના સાંસ્કૃતિક વારસા અને રમતગમત ક્ષેત્રે ભારતની પ્રગતિ અંગે રાષ્ટ્રપતિ સાથે સઘન ચર્ચા કરી હતી.

વડોદરાના ગરબા નિહાળવાનું આમંત્રણ આપ્યું

આ મુલાકાતની સૌથી મહત્વની કડી વડોદરાની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રી રહી હતી. સંસ્કારી નગરી વડોદરાના ગરબા વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ધરાવે છે, ત્યારે ડો. હેમાંગ જોષીએ રાષ્ટ્રપતિને આગામી નવરાત્રી મહોત્સવમાં વડોદરા પધારવા અને આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવને પ્રત્યક્ષ નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિએ આ નિમંત્રણનો અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો તે સમયગાળા દરમિયાન મારો ગુજરાત પ્રવાસ નિર્ધારિત થશે, તો હું ચોક્કસપણે વડોદરાની મુલાકાત લઈ નવરાત્રીનો લ્હાવો લઈશ.

રમતગમત અને શિક્ષણ અંગે ગહન ચર્ચા કરવામાં આવી

ડો. હેમાંગ જોષી હાલમાં શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા અને રમતગમત મંત્રાલયની સંસદીય સમિતિના સભ્ય તરીકે કાર્યરત છે. આ જવાબદારીને ધ્યાને રાખીને, રાષ્ટ્રપતિએ તેમની સાથે દેશમાં રમતગમતના ભાવિ અંગે વિશેષ ચર્ચા કરી હતી. ખાસ કરીને ભારત દ્વારા ભવિષ્યમાં ઓલિમ્પિકના યજમાન બનવાની દિશામાં થતી તૈયારીઓ અંગે પૃચ્છા કરી હતી. ભારતીય રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટેના આયોજન પર ભાર મૂક્યો હતો.

સાંસદ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ડો. જોષીની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ વિધિવત મુલાકાત હતી. આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત ન રહેતા, વડોદરાના વિકાસ અને તેની સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય ફલક પર પ્રસ્તુત કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહી હતી. મુલાકાતના અંતે સાંસદે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનું માર્ગદર્શન અને વડોદરા પ્રત્યેનો તેમનો સ્નેહ આગામી સમયમાં શહેરના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થશે.