Who Was Yogesh Patel: વડોદરાના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને સમગ્ર શહેરમાં 'કાકા'ના હુલામણા નામે ઓળખાતા યોગેશ પટેલનું આજે બપોરે ટૂંકી માંદગી બાદ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વડોદરા શહેર અને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
ચાર દિવસ અગાઉ ફૂડ ઇન્ફેક્શનની અસર થતાં યોગેશ પટેલને સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમની જૂની હૃદય રોગની બીમારી ફરી ઉથલો મારતા તેમની સ્થિતિ નાજુક બની હતી. આ દરમિયાન આજે બપોરે અચાનક હૃદય રોગનો તીવ્ર હુમલો (હાર્ટ અટેક) આવતા ડૉક્ટરોના ભગીરથ પ્રયાસો છતાં તેઓ અંતિમ શ્વાસ લીધા હતા.
સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય રહેવાનો અણનમ રેકોર્ડ
યોગેશ કાકા વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામહ સમાન હતા. તેઓ સતત આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને જનતા સાથેના અતૂટ જોડાણની સાબિતી છે. તેઓ માત્ર એક રાજનેતા નહોતા, પરંતુ શહેરની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. ગરીબો અને મધ્યમ વર્ગના પ્રશ્નો માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા.
PM મોદી સાથે સ્કૂટર પર પ્રચારના એ દિવસો..
યોગેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત અંગત અને જૂના મિત્રોમાંના એક હતા. વર્ષો પહેલાં જ્યારે ભાજપ સંગઠન તબક્કામાં હતું, ત્યારે નરેન્દ્ર મોદી અને યોગેશ પટેલ એક જ સ્કૂટર પર બેસીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પક્ષનો પ્રચાર કરતા હતા. આ જૂની અને અતૂટ દોસ્તીની વાતો આજે પણ ભાજપના ગલિયારાઓમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
સરળ જીવન અને અમદાવાદી પોળનું સરનામું
આટલી લાંબી રાજકીય કારકિર્દી અને પૂર્વ મંત્રી જેવું કદ હોવા છતાં, યોગેશ કાકાએ ક્યારેય પોતાની સાદગી છોડી નહોતી. તેઓ શહેરની વ્યસ્ત અને ઐતિહાસિક અમદાવાદી પોળમાં સામાન્ય નાગરિકની જેમ જ રહેતા હતા. તેમનો પુત્ર હાલ વિદેશમાં સ્થાયી થયેલો છે.
તેમના નિધનથી વડોદરાએ એક સાચો લોકસેવક અને વડોદરાનો અવાજ ગુમાવ્યો છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર અંગેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. રાજકીય નેતાઓ અને સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
