સ્વ. યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ થયોઃ વડોદરાના 2100 લોકોની 45 દિવસની મહેનત રંગ લાવી, કેદારનાથ ધામમાં 12 લાખ રુદ્રાક્ષનો ભવ્ય શણગાર

સ્વ. યોગેશ પટેલના સંકલ્પ મુજબ, વડોદરાની 'સત્યમ શિવમ સુંદરમ સમિતિ' અને પરિવારે કેદારનાથ મંદિરમાં 12 લાખ રુદ્રાક્ષનો ભવ્ય શણગાર કર્યો. આ કાર્યમાં વડોદરાના 2100 લોકોએ દોઢ મહિના સુધી સેવા આપી, જે શિવભક્તો માટે ગૌરવની વાત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 11:00 PM (IST)Updated: Tue, 15 Sep 2026 11:00 PM (IST)
kedarnath-dham-shringar-12-million-rudraksh-offered-by-vadodara-devotees-fulfilling-late-mla-yogesh-patel-wish

પ્રશાંત ગજ્જર, Kedarnath Temple Rudraksha Decoration: વડોદરાના માંજલપુરના પૂર્વ ધારાસભ્ય અને પરમ શિવભક્ત સ્વ. યોગેશ પટેલ દ્વારા લેવાયેલો એક પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ આખરે પૂર્ણ થયો છે.

તેમણે સ્થાપેલી ‘સત્યમ શિવમ સુંદરમ સમિતિ’ અને તેમના પરિવારજનોના ભગીરથ પ્રયાસોથી બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર પરિસરમાં પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો અતિ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

સ્વ. યોગેશ પટેલે કેદારનાથ ધામ ખાતે નેપાળથી ખાસ મંગાવેલા 12 લાખ અસલી રુદ્રાક્ષ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. જોકે, આ રુદ્રાક્ષ વડોદરા આવી પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થતાં આ સ્વપ્ન અધૂરું રહ્યું હતું. તેમના આ અધૂરા સંકલ્પને પૂર્ણ કરવા પરિવારજનો અને સમિતિએ દ્રઢ નિશ્ચય કર્યો હતો.

વડોદરા ખાતે આ રુદ્રાક્ષની અલગ-અલગ લંબાઈની માળાઓ તૈયાર કરવા માટે સખી મંડળ, ભાવિક ભક્તો અને સમિતિના સભ્યો સહિત 2100 જેટલા લોકો દોઢ મહિના સુધી સતત સેવા યજ્ઞમાં જોડાયા હતા.

માળાઓ તૈયાર થયા બાદ જન્માષ્ટમીની રાત્રે (4 સપ્ટેમ્બર) 33 શિવભક્તોની ટીમ વડોદરાથી બસ મારફતે કેદારનાથ જવા રવાના થઈ હતી. શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે (7 સપ્ટેમ્બર) કેદારનાથ પહોંચીને જરૂરી સરકારી પરવાનગી મેળવ્યા બાદ શણગારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સતત ત્રણ દિવસની અથાક મહેનત બાદ 10 સપ્ટેમ્બરના રોજ આ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ વખતે કેદારનાથ મંદિરના મુખ્ય પરિસર ઉપરાંત નંદી અને રેલિંગ સહિતના સમગ્ર ભાગને 12 લાખ રુદ્રાક્ષથી સજાવવામાં આવ્યો હતો. આ અભૂતપૂર્વ શૃંગારને જોઈને ત્યાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ઉઠ્યા હતા.

આ આયોજનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળ, સ્થાનિક જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા, એસડીએમ તેમજ મંદિરના આગેવાનો કિસાન ત્રિવેદી અને હેમંત દ્વિવેદીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. તમામ સેવા કાર્ય પૂર્ણ કરીને 14 સપ્ટેમ્બરે સમિતિના સભ્યો સુરક્ષિત રીતે વડોદરા પરત ફર્યા હતા. સ્વ. યોગેશ પટેલના સ્વપ્નપૂર્તિના આ કાર્યથી શિવભક્તોમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.