Bharuch: સાઈખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા અફરાતફરી

ભરૂચના સાઈખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા અને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમો જ્વલનશીલ કેમિકલને કારણે ફેલાયેલી આગને કાબૂમાં લેવા સઘન પ્રયાસો કરી રહી છે, જોકે નુકસાન અને કારણ અસ્પષ્ટ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 10:45 PM (IST)Updated: Tue, 15 Sep 2026 10:45 PM (IST)
bharuch-news-massive-fire-breaks-out-at-mordaria-chemical-company-in-saykha-gidc

Bharuch News: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર સાઈખા GIDC માં આવેલી મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.

કંપનીના પરિસરમાં આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી કાળા દિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં ઘટનાની ગંભીરતા સામે આવી હતી.

કેમિકલ કંપનીમાં આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી શરૂ કરી દીધી હતી.

જોકે કંપની પરિસરમાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી, જેને કારણે તેને નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે મથામણ કરવી પડી રહી છે.

આગના કારણે કંપની પરિસરમાં ગભરાટ ફેલાવાની સાથે આસપાસના અન્ય ઔદ્યોગિક એકમો અને ગામોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ ઉપરાંત આગથી થયેલા નુકસાનના પ્રમાણ અને કંપનીની અંદર કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે નહીં તે અંગે પણ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

હાલ ફાયર વિભાગની ટીમો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ફાયર ફાઈટરો સ્થિતિને શાંત પાડવા માટે સતત પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ, માલમત્તાના નુકસાનનો આંકડો અને અન્ય સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. તંત્ર દ્વારા સમગ્ર બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.