Gujarat Rain Update: ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી છેલ્લા ત્રણેક દિવસથી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જો કે આજે જેમ-જેમ દિવસ વીતતો ગયો, તેમ-તેમ વરસાદનું તીવ્રતા ઘટતી ગઈ હતી.
એકમાત્ર કચ્છ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું હતુ, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ નોંધાયા છે.
કચ્છમાં સાર્વત્રિક મેઘમહેરઃ 7 ઈંચ વરસાદમાં માંડવી જળબંબાકાર
આ વર્ષે ચોમાસામાં કચ્છ જિલ્લો એકંદરે કોરો રહ્યો છે, જ્યાં વરસાદના અભાવે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મેઘરાજાએ આજે વહેલી સવારથી કચ્છ જિલ્લા પર ઓળગોળ થઈ ગયા હતા.
આજે સવારે 6 વાગ્યાથી કચ્છમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં માંડવીમાં સૌથી વધુ 177 મી.મી (6.9 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એમાં પણ 8 થી 10 વાગ્યાના બે કલાકમાં એકધારો 5 ઈંચ વરસાદ તૂટી પડતા માંડવીમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત પડેલા વરસાદના કારણે માંડવીની સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. જ્યારે માંડવી શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી દરિયાની જેમ હિલોળા મારવા લાગ્યા હતા.
માંડવી ઉપરાંત કચ્છના અબડાસામાં પણ આખા દિવસ દરમિયાન 54 મી.મી (2.13 ઈંચ), મુન્દ્રામાં 40 મી.મી (1.5 ઈંચ), નખત્રાણામાં 33 મી.મી (1.3 ઈંચ), ભુજમાં 32 મી.મી (1.26 મી.મી), ગાંધીધામમાં 16 મી.મી, અંજારમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 100 તાલુકામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા જ પડ્યા
કચ્છને બાદ કરતાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ ત્યાં આખા દિવસ દરમિયાન પુરો એક ઈંચ પણ વરસાદ નથી વરસ્યો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં 23 મી.મી., ખંભાળિયામાં 22 મી.મી., ભાવનગરના શિહોરમાં 18 મી.મી., ખેડાના નડિયાદમાં 16 મી.મી. તેમજ સુરતમાં 15 મી.મી વરસાદ નોંધાયો છે.
