Gujarat Monsoon 2026: ગુજરાતમાં બદલાતી હવામાન પરિસ્થિતિ અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) અંતર્ગત કાર્યરત ‘ભારતીય જમીન અને જળ સંરક્ષણ સંસ્થા’ (IISWC) - સંશોધન કેન્દ્ર, વાસદ (આણંદ) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ બહાર પાડવામાં આવ્યો છે. આ અભ્યાસમાં છેલ્લા 50 વર્ષના વરસાદના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને 'અલ નીનો (El Niño)' પરિબળની ગુજરાતના કૃષિ ક્ષેત્ર પર પડતી અસરો અંગે ચેતવણી આપવામાં આવી છે.
શું છે 'અલ નીનો' અને તેની ગુજરાત પર અસર?
પ્રશાંત મહાસાગરની જળ સપાટીના તાપમાનમાં થતો અસામાન્ય વધારો એટલે કે 'અલ નીનો'ની સ્થિતિ ભારતીય ઉપખંડમાં ચોમાસાના ભેજવાળા પવનોને નબળા પાડે છે. સંશોધન કેન્દ્રના વડા ડૉ. એમ.જે. કાલેધોનકર અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, ભૂતકાળમાં જ્યારે પણ અલ નીનો સક્રિય બન્યો છે ત્યારે ગુજરાતમાં વરસાદની ભારે ઘટ, જળાશયોમાં પાણીનું નીચું સ્તર અને પાક ઉત્પાદનને મોટું નુકસાન જોવા મળ્યું છે.
ઐતિહાસિક ઉદાહરણો: વર્ષ 1982-83માં 20%, 1987માં 19%, 2002માં 19%, 2009માં 23% અને 2015માં 14% જેટલી વરસાદની ઘટ નોંધાઈ હતી, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.
વર્તમાન વર્ષ 2026ની સ્થિતિ અને 'સુપર અલ નીનો'
વૈશ્વિક હવામાન સંસ્થાઓના લેટેસ્ટ ડેટા અનુસાર, વર્તમાન વર્ષ 2026માં પ્રશાંત મહાસાગરમાં 'સુપર અલ નીનો' પરિસ્થિતિ વિકસી રહી છે, જેના કારણે ચોમાસાના અંતિમ ચરણ પર ગંભીર અસર પડી રહી છે.
અસમાન વરસાદનું વિતરણ: 31 ઓગસ્ટ 2026 સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ 684 મીમી (અપેક્ષિત સામાન્ય વરસાદના 75.33%) વરસાદ નોંધાયો છે, પરંતુ જિલ્લાવાર સ્થિતિ ઘણી ચિંતાજનક છે.
દક્ષિણ ગુજરાત (વલસાડ): સામાન્ય કરતાં 73% વધુ વરસાદ.
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં 50%, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 86% તથા પોરબંદરમાં 40% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.
જિલ્લાવાર જોખમનું વર્ગીકરણ
અહેવાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોને વરસાદ અને પાણીની ઉપલબ્ધતાના આધારે ત્રણ જોખમ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
રેડ ઝોન (સૌથી વધુ જોખમ): સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત. આ વિસ્તારોમાં કપાસ, મગફળી અને પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાઈ શકે છે.
ઓરેન્જ ઝોન (મધ્યમ જોખમ): મધ્ય ગુજરાત. નર્મદા કેનાલ નેટવર્ક અને સિંચાઈ સગવડો હોવાથી અહીં સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણમાં છે.
ગ્રીન ઝોન (ઓછું જોખમ): દક્ષિણ ગુજરાત. તાપી નદી અને સારા જળ પ્રવાહને લીધે આ વિસ્તાર સુરક્ષિત માનવામાં આવે છે.
ખેડૂતો અને તંત્ર માટે મહત્વપૂર્ણ સૂચનો
આ સંકટ સમયને પહોંચી વળવા વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે કેટલાક વ્યવહારુ અને અગાઉથી આયોજન કરવા યોગ્ય પગલાં સૂચવ્યા છે.
પાકની સમજપૂર્વક પસંદગી: વધુ પાણી માંગતા પાકોને બદલે ઓછા સમયમાં પાકી જતા અને દુષ્કાળ સહન કરી શકે તેવા પાકો તથા બાજરી જેવા મિલેટ્સની ખેતી કરવી.
જળ સંરક્ષણ અને સિંચાઈ: ખેત તલાવડીઓનું નિર્માણ કરવું તેમજ ટપક અને ફુવારા પદ્ધતિ (Drip/Sprinkler Irrigation) અપનાવી પાણીનો બગાડ અટકાવવો.
પશુપાલન સુરક્ષા: કચ્છ અને મહેસાણા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પશુધન માટે ઘાસચારા બેંક (Fodder Bank) અને સાયલેજ અગાઉથી તૈયાર રાખવા.
કૃષિ વૈવિધ્વીકરણ અને વીમો: આવક સુરક્ષિત રાખવા માટે બાગાયત, પશુપાલન અને કૃષિ-વનસંવર્ધન અપનાવવું. તેમજ સમયસર 'પ્રધાનમંત્રી પાક વીમા યોજના' (PMFBY) હેઠળ નોંધણી કરાવી લેવી.
અભ્યાસના અંતે જણાવવામાં આવ્યું છે કે ભલે આ વર્ષે વરસાદની અનિશ્ચિતતા રહી હોય, પરંતુ ગુજરાત પાસે છેલ્લા 50 વર્ષનો લાંબો અનુભવ, અત્યાધુનિક ટેક્નોલોજી અને કુશળ જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ ઉપલબ્ધ છે. જો ખેડૂતો અગાઉથી આ બાબતે સાવચેતી રાખશે, તો આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સફળતાપૂર્વક કરી શકાશે.
