Kutch Mandvi Heavy Rain: કચ્છ જિલ્લાના માંડવી પંથકમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી માત્ર 2 કલાકની અંદર જ 5 ઈંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. ભારે વરસાદ પડતા ધરતી પાણી-પાણી થઈ ગઈ હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાના ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા અને ભુજ સહિત તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
આજે 15 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન માંડવી પંથકમાં આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કુલ 158 મીમી એટલે કે આશરે 6.2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માત્ર 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
માંડવી શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણીનો પ્રવાહ નદીની જેમ વહેતો જોવા મળ્યો. માંડવી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર વરસાદી જળ ભરાવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વધુમાં, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
ભારે વરસાદથી ખેતરો અને નીચાણવાળા વિસ્તાર બેટ કે દલદલમાં ફેરવાઈ ગયા છે. લાંબા વિરામ કે ઓછા વરસાદ બાદ અચાનક આવેલી આ મેઘમહેરથી સ્થાનિક નદીઓ અને સિંચાઈની નહેરોમાં નવા નીર આવ્યા છે, જેનાથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગત રોજ આજે સવારે 6 વાગ્યાથી સુધીના 24 કલાક દરમિયાન માંડવી તાલુકામાં 52 મીમી (2.05 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
