Bharuch News: દિવાળીના તહેવારની મોંઘી ખરીદી વચ્ચે અંકલેશ્વરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તહેવારોમાં મીઠાઈ અને ઘીની ભારે માંગ રહેતી હોય છે, ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા સક્રિય થયેલા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ યોગી એસ્ટેટ પર પોલીસે દરોડા પાડીને અંદાજે રુ. 31.96 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી અને ઓઇલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં સુરતના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો
મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે યોગી એસ્ટેટમાં આવેલી એક જગ્યાએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ઘીનાં ડબ્બા, ઓઇલ ભરેલી ટાંકીઓ અને મોટા પ્રમાણમાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જથ્થો ‘પંચમ પૂજા ઓઈલ’ના નામે વિવિધ ડેરીઓમાં પહોંચાડવામાં આવતો હતો અને તેને અસલી ઘી તરીકે ગ્રાહકોને વેચવામાં આવતું હતું.
ચાર શખ્સોને પકડી કરી પૂછપરછ
જોકે, આ પદાર્થો ખરેખર ભેળસેળયુક્ત છે કે કેમ અને તેની ગુણવત્તાનું ધોરણ શું છે, તે અંગે લેબોરેટરીના અંતિમ અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ તો પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ રેકેટના તાર સુરત સુધી જોડાયેલા હોવાથી સુરતના ચાર ઈસમોને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાંથી કાચો માલ લાવતું હતું, તેનું પેકિંગ કઈ જગ્યાએ થતું હતું અને રાજ્યના અન્ય કયા વિસ્તારોમાં આ માલ સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે.
ગ્રાહકો માટે ખાસ સાવચેતી
તહેવારોની મોસમમાં બજારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારિયાઓ સક્રિય થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં નાગરિકોએ મીઠાઈ કે ઘી ખરીદતી વખતે ખાસ કાળજી રાખવી અનિવાર્ય છે. કોઈપણ અજાણ્યા કે શંકાસ્પદ બ્રાન્ડને બદલે હંમેશાં પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ડેરી કે દુકાનમાંથી જ ખરીદી કરવી જોઈએ. ખરીદી કરતી વખતે પેકેજિંગ પર FSSAI નો માર્કો, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ અને ઘટકોની યાદી અવશ્ય ચકાસી લેવી.
જો બજારભાવ કરતા ખૂબ જ ઓછી કિંમતે ઘી કે અન્ય ખાદ્ય સામગ્રી વેચાતી દેખાય, તો તેનાથી સાવધ રહેવું હિતાવહ છે. કોઈપણ ખાદ્યપદાર્થની શુદ્ધતા અંગે શંકા જાય તો તેનો વપરાશ તુરંત ટાળવો અને સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ડિપાર્ટમેન્ટને તેની જાણ કરવી, જેથી તહેવારોમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવી શકાય.
