ભરૂચના જંબુસરમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ: કાવી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

ભરૂચના જંબુસરમાં 11 વર્ષની માસૂમ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી સંજય ઠાકોરને કાવી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 12:41 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:41 PM (IST)
bharuch-jambusar-minor-girl-assault-case-kavi-police-arrest-accuse-sanjay-thakor

Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસરમાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ગામમાં 11 વર્ષીય માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની ઘટના બનતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જોકે, કાવી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જેસંગ ઠાકોર ઉર્ફે સંજય ઠાકોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સમગ્ર મામલે યુવક પર દુષ્કર્મનો ગંભીર આરોપ છે.

શું છે સમગ્ર ઘટના

આરોપી પર લાગેલા આક્ષેપ પ્રમાણે, આરોપી સંજય જેસંગ ઠાકોરે અગાઉ પણ પીડિત માસૂમ બાળકીને સ્કૂલે આવવા-જવાના રસ્તામાં અવારનવાર હેરાનગતિ કરી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, અગાઉ પણ તેણે બાળકી સાથે બળજબરી બનાવવાનો પ્રયાસ કર્યો. કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તથા સમાજમાં બદનામ કરીશ તેવી ડરામણી ધમકીઓ પણ આપી હતી.

આરોપી પર દુષ્કર્મનો આક્ષેપ

ઘટનાના દિવસે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવીને ગામના મંદિરના ઓટલે બેઠેલી 11 વર્ષીય સગીરાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ બાળકીને માતા ખેતરમાં પાણી મંગાવે છે. તુ પાણી આપી આવ. આમ જણાવ્યું હતું. જ્યારે સગીરા ખેતર તરફ ગઈ ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.

પિતાની સતર્કતાથી સમગ્ર ભાંડો ફૂટ્યો

આ ભયાનક ઘટના બાદ પીડિત બાળકી અત્યંત મૂંઝવણમાં ઘેર આવી હતી. દરમિયાન, બાળકીના પિતા નોકરી પૂરી કરીને જ્યારે ઘેર પરત ફર્યા, ત્યારે પોતાની દીકરીના ચહેરા પર ડર અને ગભરાટ અનુભવ્યો હતો. આથી પિતાએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં, સગીરાએ સઘળી આપવીતી પિતાને જણાવી હતી. બાળકીના મુખેથી આ વાત સાંભળતાં પિતા સહિત પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી

સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ પરિવારમાં રોષ ફેલાયો હતો. તુરંત જ આ મામલે કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય જેસંગ ઠાકોર વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. કાવી પોલીસે ફરિયાદ મળતા જ આરોપી સંજય ઠાકોરની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.