ઉપરવાસમાં ભારે વરસાદથી હિરણ નદી બે કાંઠેઃ ડભોઈ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર, સૂકાતા પાકને મળ્યું નવજીવન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 05:01 PM (IST)Updated: Tue, 15 Sep 2026 05:01 PM (IST)
hiran-river-overflowing-due-to-heavy-upstream-rains-revives-crops-in-sitpur-and-dabhoi

Hiran River Overflow: ચાલુ વર્ષે શ્રાવણ માસ દરમિયાન વરસાદ ખેંચાતાં સમગ્ર ડભોઈ પંથકમાં નદી-નાળાં તદ્દન કોરાંધાકોર થઈ ગયાં હતાં. વરસાદના અભાવે ખેતીના ઊભા પાક સૂકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક ધરતીપુત્રો ભારે ચિંતામાં મૂકાયા હતા.

આ ઉપરાંત પશુ-પક્ષીઓ માટે પણ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હતી. જોકે તાજેતરમાં ઉપરવાસ સહિત છોટા ઉદેપુર પંથકમાં પડેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદને પગલે સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે.

ઉપરવાસની ભારે આવકના કારણે ડભોઈ તાલુકાના સીતપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર હિરણ નદીમાં નવા નીરનો વિપુલ જથ્થો ઠલવાયો છે. નદી બંને કાંઠે વહેતી થતાં સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે.

હિરણ નદીમાં નવા જળના આગમનથી આસપાસના ગ્રામીણ વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. આ નવા નીર ડભોઈ પંથકના કપાસ, તુવેર અને ડાંગર જેવા મુખ્ય પાકો માટે જીવાદોરી સાબિત થશે. લાંબા સમયના વિરામ બાદ આવેલા આ વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે. આ સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે, જેથી પશુપાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

લાંબા સમયથી સૂકીભઠ્ઠ પડેલી હિરણ નદી અચાનક જીવંત બની ઉઠતાં સમગ્ર પંથકમાં કુંદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. બે કાંઠે વહેતી નદીનો આ નયનરમ્ય અને રમણીય નજારો માણવા માટે સીતપુર ગામ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારો અને નગરજનો નદી કિનારે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મેઘરાજાની આ મહેરબાનીથી ખેડૂતોના મુખ પર ફરી હાસ્ય રેલાયું છે.