Surat City New: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા પૂજારી સહિત ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મંદિરની નજક આવેલી ગટરો એકાએક ઓવરફ્લો થતાં દુર્ગંધયુક્ત પાણી ગર્ભગૃહમાં રહેલા શિવલિંગ સુધી પહોંચી ગયું હતુ, જેના કારણે મંદિરમાં સવારે પૂજા પણ નહતી થઈ શકી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડ પર આવેલા જગદીશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી એક ગટર ઉભરાઈ ગઈ હતી. જેથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી ગયુ હતુ. ગંદુ પાણી પવિત્ર શિવલિંગ સુધી પહોંચી જતાં આજે સવારના સમયે મહાદેવના દર્શન બંધ કરવાની ફરજ પડી હતી. જેના પરિણામે ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ અંગે મંદિરના પૂજારી સંતોષગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, જગદીશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગટરનું પાણી ઘુસી ગયું છે. આ સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર તેમજ મનપાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આજે સવારે 7 વાગ્યે વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી.
ગર્ભગૃહમાં રહેલ પવિત્ર શિવલિંગ સુધી ગટરનું પાણી પહોંચી જવાથી સવારે ભગવાનની પૂજા તેમ અભિષેક પણ થઈ શક્યો નથી. આજે સવારનું મંદિર બંધ છે અને અંદર જઈ શકાય તેમ નથી. મંદિરમાં ગટરનું પાણી ભરાયેલું હોવાથી ભગવાનની પૂજા કેવી રીતે થાય? અમે મનપાને વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો.
