સુરત: ગણેશ ચતુર્થીએ ઓનલાઈન મંગાવેલા લાડુ પર નીકળી ફૂગ, ફરિયાદ થતા બ્લિંકિટના આઉટલેટ પર ફૂડ વિભાગની તપાસ

આ બનાવનો વીડિયો વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકાએ સંબંધિત આઉટલેટ પર તપાસ શરૂ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 03:42 PM (IST)Updated: Tue, 15 Sep 2026 03:42 PM (IST)
surat-blinkit-online-laddu-fungus-viral-video-smc-food-department-inspection
ઓનલાઈન પાર્સલમાં નીકળ્યા ફૂગવાળા લાડુ

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક વેપારીએ ગણેશ ચતુર્થીના પર્વે ઓનલાઈન લાડુ મંગાવ્યા હતા. લાડુનું પાર્સલ જ્યારે ઓફિસે પહોંચ્યું અને લાડુનું પેકેટ ખોલ્યું તો લાડુ પર ફૂગ જામેલી જોવા મળી હતી. આ ઘટનાને લઈને વેપારીએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રવીણ ગુપ્તા નામના વેપારીએ ગણેશ ચતુર્થીના દિવસે ઓનલાઈન ડિલિવરી એપ બ્લિન્કિટ પરથી 504 રૂપિયામાં 1 કિલો લાડુ મંગાવ્યા હતા. વેપારીના જણાવ્યા મુજબ, લાડુનું પેકેટ ખોલ્યું ત્યારે લાડુમાં વાસ આવતી હતી અને ફૂગ જામેલી હતી. આ મામલે તેમણે ડીલેવરી બોયને વાત કરતા તેણે કહી દીધું કે, અમારું કામ માત્ર માલ પહોંચાડવાનું છે.

આ મામલે વેપારીએ રોષ વ્યક્ત કરતા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વેપારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, ગણેશ ચતુર્થી હોવાથી મેં બ્લિન્કિટથી લાડવા મંગાવ્યા, જે ઓફિસે આવ્યા ત્યારે ફૂગવાળા નીકળ્યા હતા, મેં ડિલિવરી બોયને વાત કરી તો તેણે કીધું કે અમારું કામ ખાલી ડિલિવરી આપવાનું છે.

આ મામલે ફૂડ સેફટી ઓફિસર બી.આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગત રોજ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો જોયો જેમાં એક ગ્રાહકે બ્લિન્કિટમાંથી પ્રસાદ માટે લાડુ મંગાવ્યા અને પેકેટ ખોલતા તેમાં ફૂગ જણાઈ આવી હતી. આજે સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા બ્લિન્કિટના આઉટલેટ પર તપાસ ચાલુ છે અને નમુના લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ભેજવાળું વાતાવરણ હોવાથી ભોજન જલ્દી બગડી જવાની શક્યતા છે. તેથી જે પણ લોકો મીઠાઈ બનાવે છે, તેમણે ખાસ કાળજી રાખવાની જરૂર છે અને ગ્રાહકોને આપે ત્યારે પણ ખાસ જોવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓનલાઈન જે પણ લોકો વેચાણ કરે છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.