Vadodara News: ડિજિટલ યુગમાં વધતા જતા ઓનલાઇન ગુનાઓ સામે લોકોને જાગૃત કરવાના હેતુથી પાદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે પાદરા પોલીસે પ્રથમવાર સાર્વજનિક ગણેશ મહોત્સવ અંતર્ગત ‘સાઇબર ગણેશ’ની સ્થાપના કરી છે, જેમાં ધાર્મિક આસ્થાની સાથે સાયબર જાગૃતિનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે.
શ્રીજીની સ્થાપના પૂર્વે ગોવિંદપુરાથી પાદરા પોલીસ સ્ટેશન સુધી એક ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી. ડી.જે.ના તાલ, ગરબા અને ગણેશભક્તિના ઉત્સાહ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા નગરજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રામાં પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. ગોહિલ, પી.એસ.આઈ. સહિત સમગ્ર પોલીસ સ્ટાફ, જવાનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
પોલીસ સ્ટેશન પરિસરમાં વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પીઆઇ પ્રતિપાલસિંહ ગોહિલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના સાથે ‘સાઇબર ગણેશ’ની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે સ્થાપિત ગણેશજીની પ્રતિમા અને પંડાલની થીમ સાઇબર સુરક્ષા પર આધારિત રાખવામાં આવી છે.
આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઓનલાઇન ઠગાઈ, OTP, PIN, પાસવર્ડ, બેંકિંગ વિગતોની ગુપ્તતા અને અજાણી લિંક્સથી સાવધ કરવાનો છે. જેમ વિઘ્નહર્તા ગણેશજી તમામ સંકટો દૂર કરે છે, તેમ સાઇબર જાગૃતિ પણ ડિજિટલ દુનિયાના વિઘ્નો અને છેતરપિંડીથી લોકોનું રક્ષણ કરે છે તેવો સંદેશો અહીંથી આપવામાં આવી રહ્યો છે.
ગણેશોત્સવ દરમિયાન અહીં દર્શનાર્થે આવનારા હજારો શ્રદ્ધાળુઓ સુધી ‘સાવધાન રહો, સુરક્ષિત રહો’નો સંદેશ પહોંચશે. ધાર્મિક પર્વને જનસુરક્ષા સાથે જોડીને સાયબર ગુનાઓ સામે વિરોધ નોંધાવવાની પાદરા પોલીસની આ અનોખી પહેલને સમગ્ર તાલુકા અને શહેરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.
