Vadodara Highway Accident: નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક આવેલા કંડારી ગામના પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વડોદરા ખાતે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા મિત્રોની કાર સાથે પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો પાછળથી અથડાયો હતો. આ બનાવમાં બે યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, કરજણના જુના બજાર વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો વડોદરાથી લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કંડારી ગામના પાટિયા પાસે હાઈવે પર સાઈડમાં કાર ઉભી હતી, ત્યારે જ પાછળથી એક ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો અને અંદર બેઠેલા યુવાનો ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.
આ અકસ્માતમાં કરજણ જુવાબજારના રહેવાસી પ્રેમ રાજેન્દ્ર શાહ અને મિહિર પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી તેમને કરજણ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકને પોલીસે દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
