Vadodara News: વડોદરા શહેરના સમતા વિસ્તારમાંથી લગ્નના ઇરાદે સગીર બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે આરોપીને લક્ષ્મીપુરા પોલીસે મહારાષ્ટ્રના વસઈ-નાલાસોપારા વિસ્તારમાંથી ઝડપી પાડીને બાળકીને સક્ષમ રીતે મુક્ત કરાવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
રાત્રે સગીર બાળકી ગુમ થઈ ગઈ
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત 20મી તારીખની રાત્રે સમતા વિસ્તારમાં આવેલા પોતાના મકાન પાસેથી એક સગીર બાળકી અચાનક ગુમ થઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં બાળકી ન મળી આવતા આખરે 21મી તારીખે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે તાત્કાલિક ધોરણે અલગ-અલગ તપાસ ટીમોની રચના કરી હતી.
કયા ઈરાદે બાળકીનું અપહરણ
પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તેમજ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી બાળકીને લગ્નના ઇરાદે અપહરણ કરીને મહારાષ્ટ્ર તરફ લઈ ગયો છે. મળેલી બાતમીના આધારે લક્ષ્મીપુરા પોલીસની એક વિશેષ ટીમ મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે તપાસ અર્થે પહોંચી હતી.
પોલીસે સગીરાને શોધી કાઢી હતી
પોલીસે વસઈ વિસ્તારમાં દરોડો પાડીને સગીર બાળકીને સલામત રીતે શોધી કાઢી હતી અને અપહરણ કરનાર મુખ્ય આરોપી અંકુલ યાદવને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી અંકુલ યાદવની અટકાયત કરીને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, અપહરણ થયેલી સગીર બાળકીને વડોદરા લાવ્યા બાદ તેનું તેના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પુત્રીને સહીસલામત પરત મળેલી જોઈને પરિવારજનોએ પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીનો આભાર માન્યો હતો.
