Rajkot Model Rape Case: લગ્નની ખોટી લાલચ આપી રાજકોટની 36 વર્ષીય મોડલ સાથે શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આરોપથી ઘેરાયેલા વડોદરાના વેપારી પાર્થ પરીખે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના વચ્ચે વેપારીની પત્નીએ મોડલ સામે માનસિક ત્રાસ અને આપઘાતની દુષ્પ્રેરણા અંગે પોલીસ અરજી નોંધાવતાં સમગ્ર કેસ વધુ ગૂંચવાયો છે.
પીડિત મોડેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, વડોદરાના વેપારી પાર્થે લગ્નનું વચન આપીને તેમને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લગ્નનું બોગસ સોગંદનામું તૈયાર કરીને મોડલ સાથે વારંવાર બળજબરી કરી હતી.
ત્યારબાદ, "પરિવારજનો અનુસૂચિત જાતિની યુવતીને પુત્રવધુ તરીકે સ્વીકારશે નહીં" એવું બહાનું બતાવી તેને તરછોડી દીધી હતી. યુવતીએ આ બાબતે વિરોધ નોંધાવતા આરોપીએ તેમની અંગત પળોના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ સંદર્ભે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ, આ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે વેપારી પાર્થ પરીખની પત્નીએ વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી. વેપારીની પત્નીનો આક્ષેપ છે કે, મોડલ તેના પતિ પાસેથી મોટી રકમ પડાવી રહી હતી. ઉપરાંત, રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોતાના ભાઈનો ડર બતાવીને તે વેપારીને સતત માનસિક ધોરણે ધમકાવતી હતી.
સતત બ્લેકમેલિંગ અને ત્રાસથી કંટાળીને જ પાર્થે 19 સપ્ટેમ્બરના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અંતે, બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરાની જે.પી. રોડ પોલીસે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વેપારી પાર્થ પરીખનું વિધિવત નિવેદન નોંધ્યું છે. હાલમાં પોલીસ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા પરસ્પર આક્ષેપો અને અરજીના આધારે તપાસ ચલાવી રહી છે.
