Vadodara Mayor Candidate race: વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદોની પસંદગી પૂર્વે શહેરનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપના પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં 'નમો કમલમ' ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે આપેલા નિવેદનોએ પક્ષની આંતરિક ખેંચતાણને સપાટી પર લાવી દીધી છે.
'આયાતી' નેતા સામે ખૂંટો તાણ્યો
આ પણ વાંચો
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કોઈનું નામ લીધા વિના 'આયાતી ઉમેદવાર' સામે સખત વિરોધ નોંધાવતા કહ્યું કે, “છોકરો ચાલતો ના થાય ત્યારે તેને ઘરના બાધા રાખે”. તેમણે આ ટિપ્પણી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો કે જે ઉમેદવારનું સ્થાનિક સ્તરે જોડાણ નથી અથવા જેણે પક્ષના સંગઠનમાં પાયાનું કામ કર્યું નથી, તેમને કોઈ પણ સંજોગોમાં મહત્વના પદો સોંપવા જોઈએ નહીં.
પૂર્વ મેયરની કામગીરી પર પ્રહાર
આ નિવેદન થકી તેમણે પક્ષ પ્રત્યેની વફાદારી અને જમીની સ્તરના સ્થાનિક કાર્યકર્તાઓના મહત્વનો પક્ષ લીધો છે. યોગેશ પટેલે માત્ર નવા સંભવિત ઉમેદવારો જ નહીં, પણ ભૂતકાળના વહીવટ સામે પણ રોષ ઠાલવ્યો હતો. તેમણે અગાઉની કામગીરીની આકરી ટીકા કરતા કહ્યું કે, “ગયા ટર્મમાં જે મેયર હતા, તેવા મેયર વડોદરાને હવે ન મળવા જોઈએ”.
આ વિધાન શહેરના વિકાસ અને વહીવટી નિષ્ફળતાઓ તરફ સીધો અંગુલિનિર્દેશ કરે છે. આ ઉપરાંત, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ સેન્સ પ્રક્રિયામાં સ્વીકાર્યું હતું કે તાજેતરમાં શહેરમાં આવેલી પૂર જેવી આપત્તિમાં વ્યવસ્થાપન હજુ પણ વધુ સારું થઈ શક્યું હોત, જે આગામી શાસકો માટે સુધારાની જરૂરિયાત દર્શાવે છે.
આ પણ વાંચો: VIDEO: ચાલુ બુલેટ પર કપલનો ‘અશ્લીલ’ રોમાન્સ; વડોદરાના રસ્તાઓ પર કર્યા જોખમી સ્ટંટ, જુઓ વીડિયો
કોણ બનશે વડોદરાના નવા નાથ?
આ સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારોએ પોતપોતાના મંતવ્યો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. હાલમાં મેયર પદની રેસ માટે મુખ્યત્વે અજય ડાભી, ચેતન પરમાર અને સમીર વાઘેલા જેવા નામોની ચર્ચાએ જોર પકડી રહી છે. આગામી દિવસોમાં જાહેર થનારા નામ જ વડોદરાના રાજકારણની નવી દિશા નક્કી કરશે.
ભાજપ ભલે આ સમગ્ર પ્રક્રિયાને આંતરિક લોકશાહી ગણાવતું હોય, પરંતુ વરિષ્ઠ ધારાસભ્યના આક્રમક વલણે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે વડોદરા ભાજપમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આગામી સમયમાં યોગેશ પટેલની "સ્થાનિક ઉમેદવાર"ની માંગણીને ગ્રાહ્ય રાખે છે કે પછી કોઈ નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળે છે.
