Vadodara BJP Sense process: આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે વડોદરાના નવા હોદ્દેદારોની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના પદો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં વિધિવત રીતે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નિરીક્ષકોની પેનલ દ્વારા મનોમંથન
આ પણ વાંચો
ભાજપ હાઈકમાન્ડે નિમણુંક કરાયેલા નિરીક્ષકો દુષ્યંત પંડયા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ આ સેન્સ પ્રક્રિયા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પેનલ દ્વારા શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ પાસેથી વ્યક્તિગત અને સામૂહિક અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ સંગઠન અને વહીવટ વચ્ચે સુમેળ સાધી શકે તેવા સક્ષમ ચહેરાઓની પસંદગી કરવાનો છે.
માત્ર મેયર પદ જ નહીં, પરંતુ મહાનગરપાલિકાના તમામ મહત્વના શિખર સ્થાનો માટે સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક (વ્હીપ) પદોનો સમાવેશ થાય છે.
રાજકીય ગરમાવો અને દાવેદારોની ચર્ચા
સેન્સ પ્રક્રિયા શરૂ થતા જ કોર્પોરેટરો અને રાજકીય મોરચે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ પસંદગી પ્રક્રિયામાં જ્ઞાતિગત સમીકરણો, સિનિયોરિટી અને પક્ષ પ્રત્યેની વફાદારી જેવા પરિબળો નિર્ણાયક ભૂમિકા ભજવશે. ખાસ કરીને મહિલા અનામત કે સામાન્ય બેઠકના આધારે મેયર પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: વડોદરાના પરપ્રાંતિય શ્રમિકો માટે રાહતના સમાચાર! હવે એડ્રેસ પ્રુફ વગર મળશે 'મિની LPG ગેસ સિલિન્ડર'
નિરિક્ષકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ અભિપ્રાયો અને નામોની યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. નવા હોદ્દેદારોના નામ પર અંતિમ મહોર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા મારવામાં આવશે. સૂત્રોના અનુસાર, આગામી થોડા જ દિવસોમાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનાથી વડોદરાના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
