વડોદરા સામુહિક આપઘાત કેસઃ સોની પરિવારે ઓનલાઈન ખરીદેલા સ્ટૂલની મદદથી ગળેફાંસો ખાધો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના સામુહિક આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પરિવારે ગળે ફાંસો ખાવા માટે અંતિમ પગલું ભરતા પહેલા ઓનલાઈન ખરીદેલા સ્ટૂલનો ઉપયોગ કર્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 10:49 PM (IST)Updated: Fri, 30 Oct 2026 10:49 PM (IST)
vadodara-mass-suicide-case-soni-family-used-online-purchased-stools-to-hang-themselves-reveals-police-probe

Vadodara Mass Suicide: વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં જેમ-જેમ પોલીસ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સોની પરિવારે આપઘાતની પૂર્વ તૈયારી કરી રાખી હતી. જેના માટે અંતિમ પગલું ભરતા પહેલા પરિવારે ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા આરતી સોની (50)એ પોતાના પુત્ર નીલકંઠ (23) અને પુત્રી જેની (20) સાથે ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધુ હતુ. આરતી સોનીના ઘરે કામ કરવા આવતા ઉષાબેને બુધવારે સાંજે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ પ્રત્યુતર ના મળતા આખરે તેમણે આરતીબેનના બિઝનેસ પાર્ટનર કેતન શાહને જાણ કરી હતી. જે બાદ કેતન શાહે આવીને દરવાજો ખોલતા ઘરના હોલમાં માતા, પુત્ર અને પુત્રી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.

આ ચકચારી કેસની તપાસ કરી રહેલી પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં મૃતક આરતી સોનીના પતિનું આજથી બે વર્ષ પૂર્વે હાર્ટ એટેકથી નિધન થયું હતુ. જે બાદ આરતી સોની કેતન શાહ સાથે પાર્ટનરશિપમાં ઓલ્ડ પાદરા રોડ પર ઝેપ્સ હેલ્થ કેર નામે કંપની ચલાવતા હતા. જો કે તેમાં પણ તેમને સતત નુકસાન થઈ રહ્યું હતુ. સમયસર પગાર પણ ના ચૂકવી શકતાં તબીબો પણ હોસ્પિટલ છોડીને જતા રહેતા હતા.

આ હોસ્પિટલનું માસિક ભાડું જ રૂ. 2 લાખથી વધારે હતુ, પરંતુ અઠવાડિયે માંડ એકાદ બે દર્દીઓ આવતા હતા. જેના પરિણામે પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયો હતો. તેમણે નરસિંહજીની પોળમાં આવેલું પોતાનું રહેણાંક મકાન પણ વેચવા કાઢ્યું હતુ. જેના માટે નડિયાદના એક વેપારી સાથે રૂ. 1.10 કરોડમાં ડીલ નક્કી થઈ હતી અને 77 લાખ ચૂકવી પણ દેવાયા હતા. જો કે તપાસમાં મકાન પર 55 લાખની બેંક લોન બાકી નીકળતી હોવાનું માલૂમ પડ્યું હતુ.

સતત આર્થિક તંગીનો સામનો કરી રહેલા સોની પરિવારે 27 ઓક્ટોબરના રોજ 3 પેજની સ્યુસાઈડ નોટ લખીને અંતિમ પગલું ભરી લીધુ હતુ, જેની પહેલા તેમણે ઑનલાઈન સ્ટૂલ ખરીદ્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર કેસમાં આગળની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.