સૌરાષ્ટ્રમાં મુસીબતનું માવઠુંઃ ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત, કોડીનારમાં ભારે પવનથી મકાનના છાપરાં ઉડ્યા; મગફળીના પથારા પલળી ગયા

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા 'અર્નબ' વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાકને નુકસાન થયું છે, મકાનોના છાપરા ઉડ્યા છે અને ખાંભામાં વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 09:19 PM (IST)Updated: Fri, 30 Oct 2026 09:19 PM (IST)
unseasonal-rains-in-saurashtra-woman-dies-of-lightning-strike-in-khambha-roofs-blown-off-in-kodinar

Saurashtra Unseasonal Rain 2026: બંગાળની ખાડીમાં સક્રિય થયેલું 'અર્નબ' વાવાઝોડું શક્તિશાળી બનીને દક્ષિણ ભારતમાંથી પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગઈકાલથી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 31 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. કોઈ ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા, તો કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ધોધમાદ વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી.

ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના ઘાટવડ ગામે ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદના પગલે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા. ગામના વાડી વિસ્તારમાં ખેડૂતના મકાનના છાપરા ભારે પવનમાં ઉડી ગયા હતા. આ ઉપરાંત ખેતરોમાં પડેલી મગફળીના પાથરણાં પણ ભારે વરસાદમાં પલળી ગયા છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પાકની ગુણવત્તા અને ઉપજની ચિંતા સતાવી રહી છે.

એક તરફ ખેડૂતો મગફળી સહિતના પાકની લણણી અને વેચાણની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

ખાંભાના સકરાવા ગામમાં વીજળી પડતાં મહિલાનું મોત

અમરેલી જિલ્લાના ખાંભા પંથકના સકરાવા ગામમાં રહેતા માધીબેન મકવાણા (60) આજે વાડીમાં ખેત મજૂરી કરતા હતા, ત્યારે આકાશમાંથી તેમના પર વીજળી પડી હતી. જેથી બેભાન થયેલા માધીબેનને ગ્રામજનો દ્વારા 108ની મદદથી ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.


સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

સૌરાષ્ટ્રની માફક ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ આજે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. જેમાં જિલ્લાના ઈડર, હિંમતનગર અને પોશીના તાલુકામાં માવઠું વરસ્યું છે. હિંમતનગર શહેરમાં તો ગાજવીજ સાથે જોરદાર ઝાપટું પડ્યું હતુ.