PM Modi Banaskantha Visit: બનાસકાંઠાની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ રૂ. 14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમપર્તિ કર્યા હતા. આ સાથે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ તકે PM મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના બટાટામાંથી સોનું બનાવવા વાળા નિવેદન પર કટાક્ષ કરતાં જનમેદનીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતુ.
વડાપ્રધાને 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમ વખત સરકારના વડા તરીકે શપથ લીધા હતા અને 7 ઓક્ટોબર, 2026ના રોજ જાહેરજીવનમાં સરકારના વડા તરીકેની પોતાની 25 વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરી હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, શરૂઆતમાં સરકારી કચેરીઓ કે સરકારી ફાઇલો અંગે મને કોઈ અનુભવ નહોતો, પરંતુ ગુજરાતની જનતાએ મને જે પ્રેમ, માર્ગદર્શન અને હૂંફ આપી તે મારા માટે અમૂલ્ય છે.
એક ગરીબ પરિવારમાં જન્મેલી એવી વ્યક્તિ, જેના પૂર્વજોએ ક્યારેય ગામના સરપંચ બનવાનું પણ સપનું જોયું નહોતું, તેને પહેલાં ગુજરાત અને ત્યારબાદ દેશની સેવા કરવાની તક આપી તે માટે હું ગુજરાતની જનતાનો આજીવન ઋણી રહીશ. ગુજરાતના દરેક નાગરિકે મને શીખવ્યું છે અને સાચો માર્ગ બતાવ્યો છે.
દેશની સેવા અને ગુજરાતના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસના બે જ સંકલ્પ સાથે મેં જાહેરજીવનની શરૂઆત કરી હતી. આજે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનો શ્રેય દેશની જનતાને જાય છે. હું જીવનભર આપ સૌનો ઋણી રહીશ અને જીવનની અંતિમ ક્ષણ સુધી આપ સૌની સેવામાં સમર્પિત રહીશ.
બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 25 વર્ષ પહેલાં પાણી અને વીજળીની ગંભીર અછત હતી તેની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે સમયે પાણી અને વીજળી બચાવવા માટે કરેલી અપીલને લોકોએ સ્વીકારી અને પોતાની મહેનતથી પરિસ્થિતિ બદલી નાખી. આજે તે મુશ્કેલીઓ માત્ર સ્મૃતિ બની રહી છે. તેમણે ફરી એકવાર લોકોને પાણી અને વીજળી બચાવવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.
નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનોલોજીએ, બનાસકાંઠાની તસવીર બદલી નાખી છે, બનાસકાંઠાની તકદીર બદલી નાખી છે. બનાસકાંઠાના બટાટા આજે વિશ્વ-પ્રસિદ્ધ છે અને કોઈ બનાસકાંઠા વાળાને આવીને નહીં કહે કે હું બટાટાનું સોનું બનાવીશ, તે કહે છે હું પહેલેથી બનાવું છું. અહીં બનાસ ડેરી જેવું સહકારિતાનું બ્રાન્ડ છે, જે કાશી સહિત દેશના અન્ય હિસ્સાઓમાં પણ સહકારિતાના આંદોલનને વિસ્તાર આપી રહી છે.
હું બનાસ ડેરીનો વિશેષ રૂપથી આભાર માનું છું, કારણ કે મારી કાશીમાં પણ તમારા અનુભવનો, તમારી સેવાનું લાભ મળી રહ્યો છે. હવે તો ફ્રેન્ચ-ફ્રાઈઝ બનાવતા બટાટા પ્લાન્ટ પણ, તેની ક્ષમતા પણ વધારવામાં આવી છે. આનાથી બટાટાની વધારે ખરીદી સંભવ થઈ શકશે. આ બટાટા ખેડૂતો માટે બહુ મોટી સુવિધા છે.
