PM Modi Gujarat Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે બનાસકાંઠાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આવી પહોંચશે. 30 ઑક્ટોબરની સાંજે વડાપ્રધાનના હસ્તે ‘ભારત પર્વ 2026’નું ભવ્ય ઉદ્ઘાટન નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, પરંપરાઓ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરવાનો છે. 15 નવેમ્બર સુધી ચાલનારા આ પર્વમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકકલા, લોકનૃત્યો, પ્રાદેશિક વાનગીઓ અને હસ્તકળાનો સંગમ જોવા મળશે.
એકતાનગરમાં રાત્રિ પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશથી ‘એકતા પ્રકાશ પર્વ’નું પણ ખાસ આયોજન કરાયું છે. જેમાં થિમેટિક લાઇટિંગ દ્વારા ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીને રજૂ કરાશે. વેલી ઑફ ફ્લાવર્સ રોડ પર 530 મીટરના વિસ્તારમાં જાદુઈ પ્રકાશ સજાવટ અને 180 મીટર લાંબી ‘ગ્લો ટનલ’ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ દળો દ્વારા યોજાનારી ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં વડાપ્રધાન સલામી ઝીલશે. આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય ‘વંદે માતરમ્’ રાખવામાં આવ્યો છે, જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત થશે.
રૂ. 400 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં ₹400 કરોડથી વધુના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં પીવાના પાણી તથા ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધાઓ, નર્મદા ઘાટનું વિસ્તરણ, સુધારેલી પ્રવાસન સુવિધાઓ અને પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ગુજરાતના પ્રવાસન અને અર્થતંત્ર માટે મહત્વ
વડાપ્રધાનનો આ પ્રવાસ બનાસકાંઠાના પશુપાલન, ડેરી, કૃષિ અને રેલવે ક્ષેત્રના વિકાસની સાથે એકતાનગરના સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે. જોકે, આ યોજનાઓની વાસ્તવિક સફળતા ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક રોજગારી પર પડનારી લાંબા ગાળાની સાનુકૂળ અસરો પર નિર્ભર રહેશે.
-1793353268679_m.webp)