વડોદરાની ભવન્સ સ્કૂલનો વિવાદ વકર્યો, મેનેજમેન્ટ સામે શિક્ષકો અને સ્ટાફ આંદોલનના માર્ગે; સામસામે ફરિયાદ નોંધાઈ

વિવાદ વધતા બંને પક્ષો દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી અરજી દાખલ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 10:03 PM (IST)Updated: Fri, 30 Oct 2026 10:03 PM (IST)
vadodara-bhavans-school-management-dispute-teachers-staff-protest

Vadodara Bhavans School Dispute: વડોદરામાં શિક્ષણ જગતને હચમચાવતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. મકરપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભવન્સ સ્કૂલમાં નવું મેનેજમેન્ટ આવ્યા બાદ શિક્ષકો અને વહીવટી સ્ટાફ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્કૂલના નવા મેનેજમેન્ટની કથિત કનડગત અને તાનાશાહી વલણથી કંટાળીને 80થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ આંદોલનના માર્ગે વળ્યા છે, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભવન્સ સ્કૂલમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અનુભવી શિક્ષકો અને કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ છે, અને જૂના અને વફાદાર કર્મચારીઓને કોઈપણ વાજબી કારણો વગર નોકરીમાંથી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે શિક્ષકોને માનસિક ત્રાસ આપવાની સાથે-સાથે તેમને રૂમમાં પૂરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

શિક્ષકોની આ ગંભીર સમસ્યાઓ અને રજૂઆત અંગે સ્કૂલ સંચાલકો સમક્ષ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે, મેનેજમેન્ટ દ્વારા કોઈ જ સંતોષકારક ઉકેલ ન લાવવામાં આવતા આખરે રોષે ભરાયેલા શિક્ષકોએ ન્યાય મેળવવા માટે કાયદાકીય અને સંગઠિત માર્ગ અપનાવ્યો છે.

બીજી બાજુ, આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે જ્યારે સ્કૂલના સુપરવાઈઝર જયશ્રીબેન દ્વારા પણ શિક્ષકો સામે વિરોધ નોંધાવતી અરજી પોલીસ મથકે આપવામાં આવી છે. એકતરફ શિક્ષકો મેનેજમેન્ટ સામે હેરાનગતિના આક્ષેપો કરી રહ્યા છે, તો બીજી તરફસુપરવાઇઝરે પણ અરજી આપતા મામલો વધુ ગરમાયો છે.

વિવાદ વધતા બંને પક્ષો દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી અરજી દાખલ કરવામાં આવી છે. પોલીસે તમામ પક્ષોની અરજીસ્વીકારીને હાલમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. શિક્ષણ જેવી પવિત્ર સંસ્થામાં મેનેજમેન્ટ અને શિક્ષકો વચ્ચેનો આ ખુલ્લો વિવાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, અને જો વહેલી તકે આનો સુખદ અંત નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે.