Vadodara Diwali Shopping: દિવાળીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના વેપારી મથકો અને પરંપરાગત બજારોમાં તહેવારની ખરીદીનો જબરદસ્ત માહોલ જામ્યો છે.
તહેવાર પહેલાંનો છેલ્લો રવિવાર હોવાથી અને રજાનો દિવસ હોવાનો પૂરતો લાભ લઈને સવારથી જ ખરીદદારોઓ પરિવાર સાથે બજારમાં નીકળી પડ્યા હતા. શહેરના હૃદયસમા મંગળબજાર, નવાબજાર, લહેરીપુરા અને માંડવી દરવાજા સહિતના જૂના શહેરના વિસ્તારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી.
ઘરવખરીથી લઈ શણગારની ચીજોની ધૂમ ખરીદી
દિવાળી પર્વે ઘરની સાફ-સફાઈ અને સજાવટનું ખાસ મહત્વ હોય છે. આથી જ નાગરિકો ઘરવખરી, સજાવટની આકર્ષક સામગ્રી, રોશની તેમજ રોજિંદા વપરાશની વસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા. આ બજારોની ખાસિયત એ છે કે, અહીં નાના બાળકોથી લઈને વડીલો સુધીની તમામ જરૂરિયાતોની વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે.
આથી જ વિવિધ વયજૂથના લોકો ઉત્સાહભેર શોપિંગ કરતા જોવા મળ્યા હતા. બાળકો માટેના નવા કપડાં અને તહેવારને લગતી વિવિધ સામગ્રીના સ્ટોલ્સ પર ભારે ચહલપહલ જોવા મળી હતી.
આગામી દિવસોમાં ગ્રાહકોનો ધસારો વધવાની શક્યતા
ચાલુ વર્ષે 2026માં 8 નવેમ્બરે દિવાળીની ઉજવણી થનાર છે, જ્યારે તે પૂર્વે 6 નવેમ્બરે ધનતેરસ અને 7 નવેમ્બરે કાળી ચૌદશનો તહેવાર આવે છે. તહેવારો તદ્દન નજીક હોવાથી આગામી દિવસોમાં પણ બજારોમાં ગ્રાહકોની અવરજવર સતત જળવાઈ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. રવિવારની આ ખરીદીથી વેપારીઓમાં પણ આગામી તહેવારોના વેપારને લઈને ભારે ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
વાહનવ્યવહાર અને પાર્કિંગની સમસ્યા ઘેરી બની
બજારોમાં એકસાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં મંગળબજાર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારની ગતિ ધીમી પડી ગઈ હતી અને પાર્કિંગ માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આમ છતાં, પરંપરાગત બજારોમાં જોવા મળતી આ રોનક અને ધમધમાટે વડોદરા શહેરના તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. અને બજારમાં ગ્રાહકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
