રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગના સંયોગે બજારમાં જમાવ્યો રંગ, વડોદરામાં અંદાજે 100 કરોડના સોનાના વેચાણનો અંદાજ

પવિત્ર રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગના શુભ સંયોગે વડોદરામાં સોનાના ભાવ અંગેની મૂંઝવણ છતાં બજારમાં ભારે ખરીદી જોવા મળી. આ એક જ દિવસમાં વડોદરામાં અંદાજે 100 કરોડ રૂપિયાનું સોનું વેચાયું હોવાનો અંદાજ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 03:39 PM (IST)Updated: Sun, 01 Nov 2026 03:39 PM (IST)
vadodara-gold-sales-soar-100-cr-on-ravi-pushya-nakshatra

Vadodara gold sales: આજે પવિત્ર રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિતના અનેક દુર્લભ તથા શુભ સંયોગો એકસાથે બેઠા છે. શાસ્ત્રોમાં આ દિવસને નવી ચીજવસ્તુઓની ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. જો કે, સોશિયલ મીડિયા પર સોનાના ભાવમાં ઘટાડાને લઈને ફેલાયેલી અટકળો અને નિષ્ણાતોના વિરોધાભાસી મંતવ્યોને કારણે બજારમાં શરૂઆતમાં ગ્રાહકોમાં થોડી મૂંઝવણ અને મિશ્ર ઉત્સાહ જોવા મળ્યો હતો.

તેમ છતાં, જ્વેલરી બજારના પરંપરાગત વલણને અને ગ્રાહકોના ઉત્સાહને જોતા આજે એક જ દિવસમાં વડોદરા શહેરમાં અંદાજે 100 કરોડ રૂપિયા જેટલું માતબર સોનું વેચાઈ જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે બજાર માટે ભારે રાહત અને ઉત્સાહના સમાચાર સમાન છે.

સોનાના ભાવને લઈને સામાન્ય લોકોમાં મૂંઝવણ

સારા ગણદેવીકર જ્વેલર્સના માલિક સુનિલભાઈ ગણદેવીકરે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સોનાના ભાવ અંગે ફેલાયેલી વિવિધ અટકળો અને નિષ્ણાતોના વિરોધાભાસી મંતવ્યોને કારણે સામાન્ય લોકોમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પર સોનાના ભાવ ઘટીને એક લાખ કે તેથી નીચે જવાની અફવાઓને કારણે લોકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. સોનાના ભાવ અગાઉની ઊંચી સપાટીથી ઘટીને હાલ આશરે 1,43,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યા છે. બજારમાં પ્રવર્તતી અસ્થિરતા અને અફવાઓના લીધે ગ્રાહકોનો ઉત્સાહ અપેક્ષિત કરતા ઓછો જોવા મળ્યો છે.

હાલ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

બીજી બાજુ, ખરીદી માટે આવેલા ગ્રાહક અરવીંદભાઈ સુથારે જણાવ્યું હતું કે આ દિવસ સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કે વાહનો જેવી નવી ચીજવસ્તુઓની ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જેથી આ પવિત્ર દિવસે તેમણે પણ નાની વસ્તુની ખરીદી કરી છે. હાલ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોનામાં એક નવું બોટમ બની રહ્યું છે. નાણાકીય દ્રષ્ટિકોણથી અંદાજ લગાવતા તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં બજારની સ્થિતિ જોતા સોનાના ભાવ ઘટીને 1,37,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે.

વેપારી વર્ગમાં ખુશીનો માહોલ

મૂંઝવણભર્યા માહોલ વચ્ચે પણ વડોદરાના જ્વેલરી બજારમાં ખરીદીનો ધમધમાટ ચાલુ રહ્યો છે. આ શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા માટે વડોદરાવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે, જેના કારણે વેપારી વર્ગમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.