ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી AAPની 'આદિવાસી ન્યાય યાત્રા' સંતરામપુર પહોંચી, 4 નવેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું એલાન

આમ આદમી પાર્ટીની 'આદિવાસી ન્યાય યાત્રા' જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સંતરામપુર પહોંચી, જેમાં તેમના પત્નીઓ અને પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ યાત્રા 3 નવેમ્બરે અંબાજીમાં સમાપ્ત થશે અને 4 નવેમ્બરે ગાંધીનગરમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Nov 2026 06:02 PM (IST)Updated: Sun, 01 Nov 2026 06:02 PM (IST)
chaitar-vasava-wives-join-adivasi-nyay-yatra-day-9-in-santrampur-aap-announces-gandhinagar-rally-on-4th-november

Adivasi Nyay Yatra: આમ આદમી પાર્ટી (AAP)ના જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ આજે નવમા દિવસે સંતરામપુર પહોંચી હતી. આ ન્યાય યાત્રામાં ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શકુંતલા વસાવા અને વર્ષા વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં AAPના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત પ્રદેશ અને જિલ્લા કક્ષાના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. 

મીડિયા સાથેની વાતચીતમાં યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ચૈતર વસાવાને આદિવાસીઓ અને વંચિત વર્ગોના હકો માટે અવાજ ઉઠાવનાર લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, શાસક પક્ષે ખોટા કેસો નોંધીને તેમને સાત વર્ષની સજા ફટકારી છે. જેલની દીવાલો આ ક્રાંતિને રોકી શકશે નહીં તેવી ચેતવણી આપતા તેમણે ઉમેર્યું હતું કે, વિસ્તારમાં દારૂ-ડ્રગ્સના અડ્ડાઓ બેરોકટોક ચાલે છે અને કડાણા ડેમના પાણીનો સ્થાનિકોને લાભ મળતો નથી.

ચૈતર વસાવાના પત્નીઓ શકુંતલાબેન અને વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રાને ગામડે-ગામડે સ્થાનિક વડીલો અને ગ્રામજનો તરફથી અપાર આશીર્વાદ અને સમર્થન મળી રહ્યા છે. જનતાનું માનવું છે કે, સરકારી નોકરી છોડીને જનસેવામાં આવેલા નેતા સાથે અન્યાય થયો છે. ગામડાંના વડીલો અને બહેનો “તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ” તેવું આશ્વાસન આપી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં આ જેલવાસનો જવાબ મતો દ્વારા આપવાનો સંકલ્પ કરી રહ્યા છે.

3 નવેમ્બરે અંબાજીમાં પૂર્ણાહુતિ અને ગાંધીનગરમાં મહાસભાનું આયોજન

પત્રકાર પરિષદના અંતે જાહેરાત કરવામાં આવી હતી કે આ ‘આદિવાસી ન્યાય યાત્રા’ આગામી 3 તારીખે અંબાજી ખાતે સંપન્ન થશે. જે બાદ 4 તારીખે ગાંધીનગરમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.