સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 103મું સફળ અંગદાનઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં હ્રદય પહોંચાડાયું

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 31 વર્ષીય યુવકના અંગદાનથી 4 દર્દીઓને નવજીવન મળ્યું છે. હૃદયને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યું, જે સુરતથી બીજી આવી ઘટના છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Nov 2026 05:39 PM (IST)Updated: Sun, 01 Nov 2026 05:39 PM (IST)
surat-new-civil-hospital-records-103rd-organ-donation-gives-new-life-to-4-patients

Surat Organ Donation: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 103મું સફળ અંગદાન થયું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીકના અંતરિયાળ વિસ્તારના 31 વર્ષીય યુવક અંકેશ વળવી બ્રેઈનડેડ થતા પરિવારે આ દુઃખદ ક્ષણે પણ હિંમતપૂર્વક નિર્ણય લઈને હૃદય, બે કિડની અને લીવરનું દાન કરતા 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

મૂળ મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના પાનસેમલ વિસ્તારના ધાવડી રાખીબુજુર્ગ ગામના રહેવાસી 31 વર્ષીય યુવાન અંકેશ શંભુભાઈ વળવી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. 28 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે તેઓ રાણીપુર ગામ પાસે બાઇક લઈને ખેતર જઈ રહ્યા હતા, ત્યારે બાઇક સ્લીપ થઈ જવાથી માથાના ભાગે વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.

રોડ પર અકસ્માત જોઈ એક દુકાનના માલિકે પરિવારજનોને જાણ કરી પ્રાથમિક સારવાર માટે અંકેશને નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા, પરંતુ ત્યાં પૂરતી સુવિધા ન હોવાથી ડૉક્ટરોની સલાહ મુજબ તેમને નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ સ્થિતિ ગંભીર બની હતી.

સામાન્ય પરિવાર માટે ખાનગી હોસ્પિટલની મોંઘી સારવાર પોસાય તેમ ન હોવાથી તેમજ સુરત નવી સિવિલની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ વિશે જાણવા મળતાં દર્દીને તા. 30મીએ રાત્રે 11:24 નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.

નવી સિવિલના ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપી તેમની ગંભીર હાલતને જોતાં તાત્કાલિક ICUમાં શિફ્ટ કર્યા હતા. તબીબોએ અંકેશને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ તા. 31 ના રોજ રાત્રે 10:46 વાગ્યે ન્યુરોલોજિસ્ટ ડૉ. જય પટેલ, ન્યુરો સર્જન ડૉ. કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ તહેલાની અને ડૉ. નિલેશ કાછડીયાએ 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા.

તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડૉ. નિલેશ કાછડીયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલાબેન કાથુડ તથા મેડિકલ ઓફિસરો ડૉ. દિવ્યા, ડૉ. રાધિકા અને ડૉ. સંસ્કૃતિએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારે ભારેહૈયે સંમતિ આપી હતી. મૃતકના પરિવારમાં માતાપિતા, પત્ની, 8 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રી છે.

સુરતથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે હૃદયને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ઝડપભેર મોકલવામાં આવ્યું હતું. સુરતથી વંદે ભારત ટ્રેન દ્વારા હૃદય મોકલવાની આ બીજી ઘટના છે. લિવર અને બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મિશનમાં મેડિકલ ઓફિસર ડૉ. આર.ડી. બર્મન, તબીબો, મેડિકલ ઓફિસરો તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહિત સિક્યોરિટી સ્ટાફે જહેમત ઉઠાવી યોગદાન આપ્યું હતું.