સુરતમાં શ્વાન પર ક્રૂરતાનો વીડિયો વાયરલ: યુવકે કૂતરાને હવામાં ઉછાળી રોડ પર ફેંક્યો, પોલીસ ફરિયાદ

સુરતમાં શ્વાનને ઉચકીને હવામાં રોડ પર ફેંકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધૈર્ય વેલફેર ફાઉન્ડેશનના ગૌરાંગ મિશ્રાએ જીતુ ગોસ્વામી સામે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 03:19 PM (IST)Updated: Sun, 01 Nov 2026 03:19 PM (IST)
surat-dog-cruelty-video-viral-man-throws-dog-udhana-police-complaint

Surat Dog Cruelty Video: સુરત શહેરમાં મૂંગા પશુઓ પર અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ શ્વાનને ઉચકીને રોડ પર ફેંક્યો હતો, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે તો બીજી તરફ આ મામલે ધૈર્ય વેલફેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ જીતુ ગોસ્વામી નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કાર પાસે ઉભેલો વ્યક્તિ શ્વાનને ઉચકે છે અને ત્યારબાદ તેને હવામાં દૂર ફેંકે છે, મૂંગા પશુ સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન સામે આવતાં પશુપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ ધૈર્ય વેલફેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ જીતુ ગોસ્વામી નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારું કાર્ય પશુ સેવાનું અને તેમને બચાવવાનું છે. મને એક વિડીયો મળ્યો હતો. જેમાં એક વ્યક્તિ જેનું નામ જીતુભાઈ ગૌસ્વામી છે. તેણે શ્વાનને રોડ પર ફેંક્યો હતો, આ સારી વાત નથી, આ મામલે ઉધના પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે, પોલીસ તરફથી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે, તેમણે લોકોને અપીલ કરી છે કે, આપણી આસપાસ રહેતા મૂંગા પશુઓ પ્રત્યે દયાભાવ રાખો, કારણ કે તેમને પણ શાંતિથી જીવવાનો પૂરો અધિકાર છે.