Vadodara Suicide: શહેરના દિવાળીપુરા વિસ્તારમાં યુવકે પોતાની પત્ની અને તેના બૉયફ્રેન્ડના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પરિવારજનોના હોબાળા બાદ અકોટા પોલીસે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિવાળીપુરાના રંગ અવધુતપુરામાં રહેતા ચિરાગ પગી (25)એ આજથી બે વર્ષ પૂર્વે સ્નેહા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જે બાદ સ્નેહા સોશિયલ મીડિયાના માધ્યમથી જીગ્નેશ ચૌહાણ નામના યુવકના સંપર્કમાં આવી હતી. જિગ્નેશ સાથેના અનૈતિક સબંધોના કારણે સ્નેહા અને ચિરાગ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ મામલે ચિરાગે અંતિમ પગલું ભર્યાના એક દિવસ પહેલા અકોટા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપી હતી.
આ દરમિયાન ગઈકાલે બપોરે ચિરાગે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે ઘટનાના કલાકો વીતવા છતાં પોલીસે ગુનો ના નોંધ્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો સ્થાનિકો સાથે અકોટા પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનના પરિસરમાં ધરણાં પર બેસી ગયા હતા. લોકોના આક્રોશને જોતા હરકતમાં આવેલી પોલીસે મૃતકની પત્ની સ્નેહા પગી અને તેના બૉયફ્રેન્ડ જિગ્નેશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સ્થાનિક એડવોકેટ હર્ષદ પરમારે જણાવ્યું કે, પરણિત યુવકે પત્નીના આડા સંબંધો અને માનસિક ત્રાસના કારણે જ આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
