Nimuben Bambhaniya Vadodara Visit: વડોદરા ખાતે યોજાયેલા 'ખેલો ઈન્ડિયા' સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર આ ગંભીર બાબતે અત્યંત સંવેદનશીલ છે અને અસરગ્રસ્તોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.
મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા જ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. અસરગ્રસ્તોને સમયસર અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર માટે જરૂરી એવા ખાસ 100 ઈન્જેક્શન તાત્કાલિક મહારાષ્ટ્રમાંથી મંગાવ્યા છે, જેથી સમયસર યોગ્ય તબીબી સહાય પૂરી પાડી શકાય.
સરકારની કડક ભૂમિકા અંગે વાત કરતા તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એરપોર્ટ પર પહોંચીને જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની રચના અંગેના મહત્વનાનિર્દેશ આપ્યા હતા. આ મામલે સરકાર કોઈપણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવાના મૂડમાં નથી અને સમગ્ર પ્રકરણમાં કડકાઈથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર તમામ ઈસમો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. સરકાર પીડિતો અને તેમના પરિવારજનોની પડખે ઉભી છે અને તેમને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.
