વડોદરા: ખંડેરાવ માર્કેટ પાસે ગણેશ વિસર્જન દરમિયાન જૂથ અથડામણ, છુટ્ટા હાથની મારામારી થઈ; વીડિયો વાયરલ થયો

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વડોદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 02:14 PM (IST)Updated: Sat, 26 Sep 2026 02:14 PM (IST)
vadodara-khanderao-market-ganesh-visarjan-group-clash-viral-video-police-action
વડોદરામાં જૂથ અથડામણ

Vadodara Group Clash Video: વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન એક અપ્રિય ઘટના સામે આવી છે. શહેરના મધ્યમાં આવેલા વ્યસ્ત એવા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ અથવા અસામાજિક તત્વો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. આ બનાવના કારણે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગણેશ વિસર્જનની મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે અચાનક કોઈ ક્ષુલ્લક બાબતે ઘર્ષણ શરૂ થયું હતું. જોતજોતામાં વાત એટલી વધી કે, અસામાજિક તત્વો સામસામે આવી ગયા અને છુટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. ધાંધલ-ધમાલ અને ભાગદોડને કારણે આસપાસના વેપારીઓ અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર કેટલાક લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે અને રસ્તા પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વડોદરા શહેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વિસ્તારમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે વાયરલ વીડિયોના આધારે મારામારી કરનાર તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનના પર્વ દરમિયાન આ રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવવાનો પ્રયાસ કરનાર કોઈપણ અસામાજિક તત્વને બક્ષવામાં આવશે નહીં. સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.