પ્રશાંત ગજ્જર, વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવના આખરી દિવસે ગણેશ વિસર્જનની પ્રક્રિયા અત્યંત ભાવુક અને શ્રદ્ધામય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સામાન્ય રીતે પોલીસની ઓળખ કાયદો અને વ્યવસ્થા જાળવતા કડક અધિકારી તરીકેની હોય છે, પરંતુ ગોરવા સ્થિત દશા માતા તળાવ ખાતે પોલીસ જવાનોનો એક અલગ જ આત્મીય અને માનવીય અભિગમ જોવા મળ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તૈનાત પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજની સાથે સાથે સેવા અને ભક્તિનો અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પોલીસ જવાનોએ શ્રદ્ધાળુઓને કરી મદદ
વિસર્જનના 12મા દિવસે ગોરવા તળાવ પર શ્રીજીની મૂર્તિ પધરાવવા માટે હજારો શ્રદ્ધાળુઓનો જમાવડો થયો હતો. ભારેખમ મૂર્તિઓ અને ભક્તોની ભીડને કારણે કોઈ અણબનાવ ન બને તે માટે તૈનાત પોલીસ જવાનોએ જાતે જ આગળ આવીને મોરચો સંભાળ્યો હતો. જવાનોએ શ્રદ્ધાળુઓની મદદ કરી ગણેશજીની પ્રતિમાઓને પોતાના હાથોમાં સુરક્ષિત રીતે ઊંચકીને પવિત્ર જળ સુધી પહોંચાડી હતી. આટલું જ નહીં, ખાખી વર્દીધારી જવાનો ભક્તો સાથે "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ"ના જયઘોષ બોલાવીને ભક્તિરસમાં લીન થઈ ગયા હતા.
ગોરવા પોલીસની પ્રશંસનીય કામગીરી
કાયદાના રક્ષકોને આ રીતે ભક્તિ અને સેવામાં તરબોળ થતાં જોઈ વિસર્જન સ્થળે હાજર સૌ કોઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા. પોલીસની આ ઉત્સાહપૂર્ણ મદદ અને નિઃસ્વાર્થ ભાવનાએ હજારો નાગરિકોના દિલ જીતી લીધા હતા. જનતા અને પોલીસ વચ્ચેના આ સુમેળભર્યા તાલમેલને કારણે સમગ્ર ગણેશ વિસર્જન કોઈ પણ પ્રકારની અડચણ વગર શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું. ગોરવા પોલીસની આ પ્રશંસનીય કામગીરીની આજે સમગ્ર શહેરમાં સરાહના થઈ રહી છે.
કેટલી મૂર્તિઓનું કરાયું વિસર્જન
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં વિસર્જનની આ પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. મધ્યરાત્રિ પછી શહેરના રાજમાર્ગો પરથી મોટી મૂર્તિઓની શોભાયાત્રા નીકળી હતી. કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ડ્રોન કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તંત્રના આંકડા મુજબ, શહેરના આશરે 12 જેટલા તળાવોમાં 20 હજારથી પણ વધુ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અંતે, સમગ્ર ઉત્સવ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતાં પોલીસ અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
