Vadodara NH-48 Accident: વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગનો દૂધ ભરેલો ટેમ્પો એક અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કંડક્ટરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.
અજાણ્યા વાહન પાછળ ઘૂસી ગયો ટેમ્પો
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રથી દૂધનો જથ્થો ભરીને એક આઇસર ટેમ્પો વડોદરા તરફ આવી રહ્યો હતો. જ્યારે આ ટેમ્પો કરજણ હાઇવે પર આવેલી પ્લેઝર ઇન્ડિયા કંપની પાસે પહોંચ્યો, ત્યારે આગળ ચાલતા કોઈ અજાણ્યા વાહને અચાનક જ બ્રેક મારી દીધી હતી. આ પરિસ્થિતિમાં પાછળ આવતા ટેમ્પાના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને ધડાકાભેર આગળના વાહનની પાછળ ઘૂસી ગયો હતો.
વાહનચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
આ ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પોની આગળની કેબિન સંપૂર્ણપણે દબાઈને લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કંડકટર કેબિનના પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
કેબિનના પતરા ચીરીને કર્યું કંડક્ટરનું રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ફાયર ફાયટરોએ હાઇડ્રોલિક કટર અને ગેસ કટરનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ સાવચેતીપૂર્વક ટેમ્પોના પતરા કાપ્યા અને કંડક્ટરને જીવતો બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઇજાગ્રસ્ત કંડક્ટરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક જામની સ્થિતિ
નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી કરજણ પોલીસે સૌપ્રથમ ટ્રાફિક પૂર્વવત કરાવવાની કામગીરી કરી અને ત્યારબાદ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ પોલીસે અકસ્માત બાદ ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને પકડવા માટે શોધખોળ અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
