Vadodara viral video: વડોદરાના વિખ્યાત સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય (કમાટીબાગ) માં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે. અત્યંત સુરક્ષિત અને સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત ગણાતા દીપડાના પાંજરા સુધી ત્રણ અજાણ્યા યુવાન કોઈપણ ડર વગર પહોંચી ગયા હતા. વધુમાં, તેમણે વીડિયો બનાવી વાયરલ પણ કર્યો હતો.
ફેમસ થવા વહોર્યું જીવનું જોખમ
સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ઈરાદે આ યુવકો દીપડાને હેરાન કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો હવે વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ત્રણ યુવાનો દીપડાની ગુફા અને પાંજરાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા. તેમણે માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નહોતું કર્યું, પરંતુ દીપડાને ડરાવવા અને દોડાવવા જેવી જોખમી હરકતો પણ કરી હતી.
વડોદરા: દીપડાના પાંજરા સુધી ઘૂસ્યા ત્રણ યુવાન#vadodaranews #vadadara #youth #GujaratiJagran #Gujarat pic.twitter.com/e4Opc0D2UG
— Gujarati Jagran (@gujaratijagran) May 15, 2026
પાંજરામાં ઘૂસીને દીપડાને દોડાવ્યો
અન્ય એક વાયરલ વીડિયોમાં યુવાન ગર્વ સાથે દાવો કરી રહ્યો છે કે, "આખા વડોદરામાં માત્ર અમે ત્રણ જ યુવાન અહીં સુધી પહોંચી શક્યા છીએ". વધુમાં, તેણે એ પણ સ્વીકાર્યું હતું કે, "જો વચ્ચે પાંજરું ન હોત તો દીપડો અમને ખાઈ જતો." આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આ યુવાનોને વન્યજીવોના હુમલાનો કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી.
સંગ્રહાલયની સિક્યોરિટી સામે સવાલો
હાલ ઉનાળુ વેકેશનનો સમય હોવાથી પ્રાણી સંગ્રહાલયમાં હજારો સહેલાણીઓની ભીડ જોવા મળે છે. આવા સંવેદનશીલ સમયે લાખો રૂપિયાના ખર્ચે રાખવામાં આવેલી સિક્યુરિટી એજન્સીના માણસો ક્યાં હતા? તેવો પ્રશ્ન પ્રકૃતિપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે. શું આ સુરક્ષાકર્મીઓની બેદરકારી હતી કે પછી કોઈ મિલીભગત?
આ પણ વાંચો: Vadodara: ખંડેરાવ માર્કેટ સ્થિત મિસ્ટર પફ બેકરીના કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર લટકતો દેખાયો
તપાસ અને કડક કાર્યવાહીનો આદેશ
આ ગંભીર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વડોદરા કોર્પોરેશનના ઝૂ સત્તાધીશો સફાળા જાગ્યા છે. ઝૂ ક્યૂરેટર દ્વારા આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સંબંધિત સુરક્ષા એજન્સી પાસેથી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
પ્રાણીઓને પરેશાન કરવા અને ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા બદલ આ યુવાનોની ઓળખ કરી તેમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સહેલાણી આવું જોખમી કૃત્ય કરતા પહેલા વિચાર કરે.
