Vadodara News: વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર જામ્બુવા બ્રિજ પાસે વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યાને લઈને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ગતરોજ 14 કિલોમીટર સુધીના ટ્રાફિક જામમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા સાંસદે માંગ કરી છે.સાંસદની રજૂઆતના પગલે મંત્રી ગડકરીએ NHAIના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
સાંસદની રજૂઆત અને ગડકરીનો આદેશ
આ પણ વાંચો
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળીને જામ્બુવા બ્રિજ પાસેના ટ્રાફિક જામ અંગે ચર્ચા કરી હતી. સાંસદે બ્રિજના નિર્માણમાં નિયમિત રીતે પડતા ખાડાઓ અને તેના કારણે થતા ટ્રાફિક જામ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બ્રિજને પહોળો કરવા અને વાહનોનું ભારણ ઘટાડીને ટ્રાફિક જામથી બચવા માટે NHAI દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગણી કરી હતી. સાંસદની રજૂઆતના પગલે મંત્રી ગડકરીએ NHAIના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી નેશનલ હાઈવે પર સાંકડા બ્રિજના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ચોમાસામાં વરસાદના કારણે બ્રિજ પર ખાડા પડવાથી વાહનોની ગતિ ધીમી થઈ જાય છે, જેના પરિણામે ટ્રાફિક જામ થાય છે. ગઈકાલે આ ટ્રાફિક જામ 14 કિલોમીટર સુધી લંબાયો હતો, જેના કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને વખતોવખત જાણ કરવામાં આવી છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના
સાંસદ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા સંકલન મીટિંગમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવીને તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદ રોકાયા બાદ ત્રણ વાર હાઈવેના મરમ્મતનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી અસરકારક જણાયું નથી. આ બાબતે સંસદ ભવન ખાતે ભારતના સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે તાત્કાલિક અધિકારીઓને ફોન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી છે. કલેક્ટર દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીના વડોદરાના અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે, જેમાં ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
