વડોદરા: અમિતનગર બ્રિજ પર અકસ્માત, ક્રેન પાછળ પૂરઝડપે આવતી કાર અથડાઈ; કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો

કારની એરબેગ્સ સમયસર ખુલી જવાથી મુસાફરો ગંભીર ઈજાથી બચી ગયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 04 Sep 2026 10:17 AM (IST)Updated: Fri, 04 Sep 2026 10:17 AM (IST)
vadodaraamitnagarbridge-accident-vmc-crane-luxury-car-collision-traffic-jam
Vadodara Amitnagar Bridge Accident

Vadodara Amitnagar Bridge Accident: વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમનને લઈને વહીવટી તંત્રની તૈયારીઓ પુરજોશમાં છે. આ સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયાના અહેવાલ છે. અમિતનગર બ્રિજ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રેન સાથે એક કાર ધડાકાભેર અથડાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.

ક્રેન પાછળ ઘૂસી ગઈ કાર, જાનહાનિ ટળી

પ્રાપ્ત વિગતો અનુસાર, અમિતનગર બ્રિજ પર વડાપ્રધાનના સ્વાગત અને રૂટ પર સજાવટ સહિતની અન્ય કામગીરી ચાલી રહી હતી. આ રૂટ સજાવટની કામગીરી માટે VMC ની ક્રેન બ્રિજ પર ઉભી રાખી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર સીધી ક્રેનના પાછળના ભાગ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કારના બોનેટનો ભુક્કા બોલી ગયા હતા. જોકે, સદનસીબે અકસ્માત સમયે કારની એરબેગ્સ સમયસર ખુલી જવાથી અને સમયસૂચકતાના કારણે કારમાં સવાર મુસાફરો ગંભીર ઈજાથી બચી ગયા હતા, અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

ટ્રાફિકજામમાં દર્દી સાથેની એમ્બ્યુલન્સ ફસાઈ

આ અકસ્માતને પગલે અમિતનગર બ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને લઈને પહેલેથી જ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને વાહનોનું ભારણ ઘણું વધારે હતું, તેમાં આ અકસ્માત ઉમેરાતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

આ ટ્રાફિક જામના કારણે બ્રિજ પર અસંખ્ય વાહનોની વચ્ચે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ એમ્બ્યુલન્સમાં એક દર્દી ગંભીર હાલતમાં સવાર હોવાથી તેને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાની આશંકાએ ભારે ચિંતાનો માહોલ ઉભો થયો હતો. એમ્બ્યુલન્સના સાયરન અને ફસાયેલા ગંભીર દર્દીને જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ચિંતા જોવા મળી હતી.

માંડ ટ્રાફિક પૂર્વવત થયો, ચાલક સામે તપાસ

અકસ્માત અને ટ્રાફિક જામની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો અને ટ્રાફિક પોલીસની ટીમો તાત્કાલિક ધોરણે અમિતનગર બ્રિજ પર દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી તાત્કાલિક અસરથી અકસ્માતગ્રસ્ત બ્લેક કારને રસ્તાની એક બાજુએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસ જવાનોએ સૌથી પહેલા એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલ તરફ રવાના કરી હતી. ત્યારબાદ પોલીસે ધીમે-ધીમે વાહનોની અવરજવર નિયંત્રિત કરી માર્ગને પૂર્વવત કરાવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની પૂછપરછ અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.