Vadodara News: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા બનાસકાંઠા, નવસારી, પાટણ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 13 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન વડોદરા શહેર સાથે જોડાયેલું એક ગંભીર કનેક્શન સામે આવ્યું છે.
પકડેલા આતંકીઓ પૈકી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા થોડા સમય અગાઉ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ‘એમ્બેસેડર હોટલ’ ના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો સ્ફોટક ઘટસ્ફોટ થયો છે. આ હોટલ સયાજીગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલી છે. ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, તપાસ ટીમે આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને હોટલ, રેલવે સ્ટેશન અને એમ.એસ. યુનિવર્સિટી તરફના રોડ પર રી-કન્સ્ટ્રક્શન તેમજ સ્થળ તપાસ કરીને મહત્વના પુરાવા એકત્ર કર્યા છે.
કાશ્મીરી આતંકી સાથે ગુપ્ત બેઠક અને સંગઠનનો પ્રચાર
તપાસમાં ખુલાસો થયો છે કે, બંને આરોપીઓ હોટલના સ્ટાફથી અગાઉથી પરિચિત હોવાથી સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. આ દરમિયાન કાશ્મીરથી એક સક્રિય આતંકવાદી વડોદરા આવ્યો હતો. આ ત્રણેય જણાએ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં એક ગુપ્ત મિટિંગ કરી હતી. આ મિટિંગનો મુખ્ય હેતુ જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં વધુમાં વધુ સ્થાનિક લોકોને કેવી રીતે જોડવા અને કટ્ટરપંથી વિચારોનો ફેલાવો કેવી રીતે કરવો તેની ચર્ચા કરવાનો હતો.
સોશિયલ મીડિયા નેટવર્ક અને હોટલ માલિકનો ખુલાસો
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતા. તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને ધાર્મિક કટ્ટરતા ફેલાવતું સાહિત્ય અને વીડિયો શેર કરતા હતા. પોલીસ હાલ આ ડિજિટલ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
બીજી તરફ, એમ્બેસેડર હોટલના માલિક અમ્માર શાજીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "હું અહમદ ગાજીવાલા કે ઈબ્રાહિમમાંથી કોઈને ઓળખતો નથી. ATS જ્યારે તેમને હોટલ પર લઈને આવી ત્યારે મેં તેમને પહેલીવાર જોયા હતા."
પાલનપુર ભાગળ ગામથી શરુ થયેલી આ તપાસની કડીઓ વડોદરા સુધી લંબાઈ છે. ATSને આશા છે કે આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસાઓ અને પુરાવાઓ હાથ લાગશે.
