વડોદરામાં ઈઝરાયલમાં નોકરીના નામે કરોડોનું કૌભાંડ, 'અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ'ના સંચાલકોએ 100થી વધુ યુવાનોનું ફુલેકુ ફેરવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 05:27 PM (IST)Updated: Mon, 21 Sep 2026 05:27 PM (IST)
vadodara-israel-job-scam-aksharam-immigration-dupes-more-than-100-youths

Vadodara Israel Job Scam: વડોદરા શહેરના જેતલપુર રોડ સ્થિત ઇન્ડિયાબુલ્સ મોલમાં આવેલી ‘અક્ષરમ ઇમિગ્રેશન એન્ડ ટુર્સ’ નામની સંસ્થા સામે ઇઝરાયેલમાં નોકરી અપાવવાના બહાને 100થી વધુ બેરોજગાર યુવાનો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. મિલિન બારોટ દ્વારા સંચાલિત આ ઓફિસ દ્વારા વિદેશમાં રોજગારીની લાલચ આપી યુવાનોને શિકાર બનાવવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સંસ્થા દ્વારા ઇઝરાયેલની ‘ગેબ્રિલ’ નામની કંપનીમાં નોકરી અપાવવાનો દાવો કરીને યુવાનોના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. જે બાદ યુવાનોને વિદેશમાં નોકરીના ઓફર લેટર આપી વિશ્વાસમાં લેવાયા હતા.

પ્રોસેસિંગ ફી અને વિઝાના નામે પ્રત્યેક યુવક પાસેથી આશરે રૂ. 5 લાખ સુધીની માતબર રકમ વસૂલવામાં આવી હતી. જેમાં સંચાલકોએ બેંક ખાતામાં રૂપિયા 50 હજાર જમા કરાવી રસીદ આપી હતી, જ્યારે બાકીની લાખો રૂપિયાની રકમ રોકડમાં લીધી હોવાનું પીડિતો જણાવી રહ્યા છે. નાણાં જમા કરાવવા માટે વિનુભાઈ પરમાર નામના વ્યક્તિના બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો છે.

સંચાલકો 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવી ઑફિસને તાળા મારી ભૂગર્ભમાં

આશરે 100થી 150 જેટલા યુવાનો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ સંચાલકોએ અચાનક ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને ઇન્ડિયાબુલ્સ મોલ સ્થિત ઓફિસને તાળાં મારી સંપર્કવિહોણા થઈ ગયા હતા. એટલું જ નહીં, ઇઝરાયેલની કંપની તરફથી પણ ઇમેઇલના જવાબો મળતા બંધ થઈ જતાં યુવાનોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

અનેક પીડિત યુવાનોએ વિદેશ જઈ પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની આશાએ બેંકમાંથી લોન લઈને તેમજ ઊંચા વ્યાજે નાણાં મેળવીને આ રકમ ચૂકવી હતી. હાલ ઓફિસ બંધ થઈ જતાં અને સંચાલકો ભાગી છૂટતાં યુવાનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

પીડિતો પાસે આ સમગ્ર નાણાકીય વ્યવહારનું રજિસ્ટર અને પુરાવા ઉપલબ્ધ છે, જેના આધારે તેઓએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.