Vadodara Rain: વડોદરામાં ગણેશજીના આગમન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જળબંબાકાર વચ્ચે પણ ભક્તોનો ઉમંગ બમણો

વરસાદના કારણે શહેરના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 10:55 AM (IST)Updated: Mon, 14 Sep 2026 10:55 AM (IST)
vadodara-heavy-rain-waterlogging-ganesh-chaturthi-2026-devotees-celebration
Vadodara Heavy Rain

Vadodara Heavy Rain: લાંબા વિરામ બાદ વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ગયા હતા. જોકે, ગત સાંજે અને આજે વહેલી સવારથી જ વાદળોની ઘેરાબંધી સાથે વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ હતી. વરસાદના આગમનને કારણે સમગ્ર સંસ્કારી નગરીમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર હોવાથી વહેલી સવારથી જ ગણેશ મંડળો અને ભક્તો વિઘ્નહર્તા દેવ શ્રીગણેશજીના આગમનની તૈયારીમાં વ્યસ્ત હતા. મેઘરાજાના સાર્વત્રિક આગમનથી તૈયારીમાં થોડી અડચણ જરૂર ઊભી થઈ હતી, પરંતુ વરસાદી માહોલ પણ ભક્તોના અસીમ શ્રદ્ધા અને ઉત્સાહને ઓછો કરી શક્યો નથી. શ્રદ્ધાળુઓ વરસાદી છાંટા વચ્ચે પણ બેન્ડવાજા અને ઢોલ-નગારાના તાલે બાપ્પાનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.

વહેલી સવારે કામધંધે કે નોકરી પર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે લોકોને ફરજિયાતપણે રેઈનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે સયાજીગંજ, ફતેગંજ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, આજવા રોડ, સુભાનપુરા, હરણી અને માંડવીમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.

વરસાદના કારણે શહેરના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયા છે. ખાસ કરીને રાવપુરા, મચ્છીપીઠ અને પાણીગેટ જેવા વિસ્તારમાંરસ્તાઓ પર એટલી હદે પાણી ફરી વળ્યા હતા કે જાણે માર્ગસ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. વાહનવ્યવહાર પર આ પાણી ભરાવાની સીધી અસર જોવા મળી હતી.

આમ, એક તરફ વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ગરમીમાંથી મુક્તિ મળતા અને પવિત્ર પર્વે મેઘરાજાના આશીર્વાદ વરસતા વડોદરાવાસીઓમાં આનંદ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.