Vadodara Heavy Rain: લાંબા વિરામ બાદ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગવાદળોની ઘેરાબંધી અને ગડગડાટ સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ, બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જેતલપુર ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ
ભારે વરસાદના પગલે શહેરના પશ્ચિમ વિસ્તારના અતિ મહત્વના એવા જેતલપુર ગરનાળામાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. ગરનાળામાં પાણીનો નિકાલ ન થતાં માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે પશ્ચિમ વડોદરાનો સંપર્ક અન્ય વિસ્તારથી કપાઈ ગયો હતો. ટ્રાફિક જામ થતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય બજારો અને રસ્તાઓ પર સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો
મુશળધાર વરસાદના કારણે અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, છાણી અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને રાવપુરા મુખ્ય બજાર અને સયાજીગંજ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જતાં વેપારીઓ અને ગ્રાહકો અટવાયા હતા. રસ્તાઓ જળમગ્ન બનતાં અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે લોકોને વાહનો ઢસડીને લઈ જવાની નોબત આવી હતી.
મુખ્ય માર્ગો પર પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વાહનવ્યવહાર અત્યંત ધીમો પડી ગયો હતો. વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
