Alkapuri Underpass Railway Overbridge: વડોદરા શહેરના વ્યસ્ત અને મહત્વપૂર્ણ વિસ્તાર અલકાપુરીના ગરનાળા ખાતે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની લાંબા સમયથી ચાલતી ગંભીર સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. ભારતીય રેલવે દ્વારા અલકાપુરી ગરનાળા પર નવો રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવા માટે રૂ. 166.5 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ આ જાહેરાત કરતા શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી છે.
દર વર્ષે ચોમાસાની ઋતુમાં થોડા જ વરસાદમાં અલકાપુરી ગરનાળામાં વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જતો હતો. અલકાપુરી અને સ્ટેશન વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થઈ જતાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેમજ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ વર્ષો જૂની સમસ્યાના નિવારણ અર્થે અહીં ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગ જોશીએ કરી હતી. તેમણે વડોદરાના વિકાસમાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીનો વડોદરાની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ નવો ઓવરબ્રિજ બનવાથી અલકાપુરી અને સયાજીગંજ/સ્ટેશન તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકોને ચોમાસા દરમિયાન ભરાતા પાણી અને ટ્રાફિકની કટોકટીમાંથી કાયમી છુટકારો મળશે. ઉપરાંત, શહેરના મુખ્ય હાર્દ સમાન આ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ અને ઝડપી બનશે. આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થતાં જ વડોદરા શહેરની માળખાકીય સુવિધામાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાશે.
