વડોદરામાં ગુજસીટોક હેઠળ સૌથી મોટી કાર્યવાહી: કુખ્યાત બૂટલેગર લાલા જયસ્વાલની રુ. 75 કરોડની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ

વડોદરા ગ્રામ્ય પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ રતનપુરના કુખ્યાત બૂટલેગર લાલા જયસ્વાલ સહિત પાંચ આરોપીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અંદાજે ₹75.03 કરોડની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 18 Jul 2026 10:30 AM (IST)Updated: Sat, 18 Jul 2026 10:30 AM (IST)
vadodara-gujsitoc-biggest-action-ratanpur-bootlegger-lala-jaiswal-rs-75-crore-properties-seizure

Vadodara News: ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલા કડક કાયદા 'ગુજસીટોક' હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસે લિસ્ટેડ બૂટલેગરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રતનપુરના કુખ્યાત બૂટલેગર રાકેશ ઉર્ફે લાલા રજનીકાંત જયસ્વાલ સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી, ગેરકાયદેસર દારૂના ધંધામાંથી વસાવેલી અંદાજે રુ. 75.03 કરોડથી વધુની મિલકતો ટાંચમાં લેવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કાળી કમાણીથી ઊભું કર્યું મિલકતોનું સામ્રાજ્ય

પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલા જયસ્વાલ અને તેના પરિવારના સભ્યો સામે ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ દારૂના ગેરકાયદે વેપલામાંથી કરોડો રૂપિયાની કાળી કમાણી કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં બેનામી મિલકતો ખરીદી હતી.

 naidunia_image

તપાસ દરમિયાન સામે આવેલી મુખ્ય મિલકતોમાં કેલનપુરની સીમમાં આવેલો નાયરા કંપનીનો 'સચિન પેટ્રોલ પંપ' અને તેની સંકળાયેલી જમીન, રતનપુર ગામની કિંમતી જમીનો, અક્ષર સિટીમાં આવેલું આલીશાન રહેણાંક મકાન, અક્ષર કોમ્પ્લેક્સની દુકાનો અને દંતેશ્વર વિસ્તારના પ્લોટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભરમપુરા, અલ્હાદપુરા અને રતનપુર ચોકડી વિસ્તારમાં આવેલી કરોડોની કૃષિ તેમજ બિનખેતી (NA) જમીનો પણ પોલીસ તપાસના દાયરામાં આવી છે.

બેંક લોકરમાંથી મળ્યું 1 કિલોથી વધુ સોનું

સ્થાવર મિલકતો ઉપરાંત, આરોપીઓના પરિવારજનોના નામે યુનિયન બેંકમાં રાખવામાં આવેલી જંગમ મિલકતો પણ પોલીસે શોધી કાઢી છે. બેંક ખાતાઓ અને લોકરની તપાસ દરમિયાન પરિવારના સભ્યોના નામે કુલ 1,174 ગ્રામ (1 કિલો અને 174 ગ્રામ) સોનું મળી આવ્યું છે. જેમાં સીમાબેનના નામે 574 ગ્રામ, જયદીપભાઈના નામે 466 ગ્રામ અને સુર્યાબેનના નામે 134 ગ્રામ સોનાની વિગતો સામે આવી છે.

ગૃહ વિભાગની મંજૂરી માટે દરખાસ્ત

પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે કુલ ₹75,03,63,000ની આ તમામ સંપત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા જ એકઠી કરાઈ છે. આથી, ગુજસીટોક એક્ટ-2015ની કલમ 18 હેઠળ આ તમામ મિલકતોને ટાંચમાં લેવા માટે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સમક્ષ જરૂરી મંજૂરી મેળવવા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી જિલ્લાના અન્ય બૂટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.